
એક સમયે આર્થિક સંકટના ગંભીર સંજોગોમાં ફસાયેલી અનિલ અંબાણીની કંપની હવે નવી ઉડાન ભરવા માટે તૈયાર છે. રિલાયન્સ ગ્રૂપ, જેને એક સમયે અનિલ અંબાણીને દેવાદાર બનાવવા માટે જવાબદાર ગણવામાં આવતું હતું, તે હવે દેવામાંથી મુક્ત થઈને ફરીથી મજબૂતી સાથે ઊભું થતું જોવા મળી રહ્યું છે. અમે જે કંપનીની વાત કરી રહ્યા છીએ તે છે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ ઇન્ફ્રા કંપનીની સહયોગી કંપની JR Toll Road Pvt Ltd (JRTR)એ તાજેતરમાં 273 કરોડ રૂપિયાનું બાકી દેવું વ્યાજ સહિત ચૂકવી દીધું છે. આ એ જ દેવું છે જે યસ બેંકે આપ્યું હતું. એટલું જ નહીં, ગ્રૂપની બીજી એક કંપની હવે ફ્રાન્સની પ્રખ્યાત એરોસ્પેસ કંપની Dassault Aviation સાથે મળીને ભારતમાં બિઝનેસ જેટ બનાવવા જઈ રહી છે. ચાલો, અનિલ અંબાણીની આ કંપની વિશે વિગતે સમજવાનો પ્રયાસ કરીએ.
દેવાથી સફળતા સુધી
JRTRએ 2013માં જયપુરથી રીંગસ સુધી 52 કિલોમીટર લાંબો હાઈવે બનાવ્યો હતો. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું, પરંતુ સમય જતાં ખર્ચ વધ્યો અને આવક ઘટી. દેવું ચૂકવવામાં ચૂક થતી ગઈ અને બેંકે આ દેવાને NPA એટલે કે ડૂબતું લોન જાહેર કરી દીધું. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે કંપનીએ NHAI સામે કેસ પણ દાખલ કર્યો. પરંતુ સમય બદલાયો. સોમવાર, 23 જૂન 2025ના રોજ ખબર આવી કે JRTRએ યસ બેંક સાથે સમાધાન કરી લીધું છે અને સંપૂર્ણ દેવું ચૂકવી દીધું છે. હવે આ દેવામાંથી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ સંપૂર્ણ મુક્તિ મળી ગઈ છે.
નવી ઉડાનની તૈયારી
હવે ગ્રૂપની બીજી કંપની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ (RAL)એ Dassault Aviation સાથે મળીને નાગપુરમાં ફાલ્કન 2000 બિઝનેસ જેટ બનાવવાની જાહેરાત કરી છે. એવું માનવામાં આવે છે કે પ્રથમ “મેડ ઇન ઇન્ડિયા” ફાલ્કન જેટ 2028 સુધીમાં ઉડાન ભરી લેશે. આ પ્લાન્ટ માત્ર ફાલ્કન 2000 જ નહીં, પરંતુ Dassault ના અન્ય મોડેલ્સ જેવા કે ફાલ્કન 6X અને 8Xના નિર્માણ માટે પણ એક સેન્ટર ઓફ એક્સિલન્સ બનશે. આનાથી ભારત અમેરિકા, ફ્રાન્સ, કેનેડા અને બ્રાઝિલ જેવા દેશોની શ્રેણીમાં આવી જશે જે પોતાના બિઝનેસ જેટ બનાવે છે.
રિલાયન્સ ગ્રૂપની કંપનીઓ જૂનું દેવું ચૂકવી રહ્યું છે
એક સમયે અનિલ અંબાણીની છબી ડૂબતા ઉદ્યોગપતિ તરીકે બની ગઈ હતી. કોર્ટમાં તેમણે પોતાને ‘શૂન્ય સંપત્તિવાળો વ્યક્તિ’ ગણાવ્યો હતો. પરંતુ હવે ધીમે-ધીમે રિલાયન્સ ગ્રૂપની કંપનીઓ જૂનું દેવું ચૂકવી રહી છે અને નવા ક્ષેત્રોમાં રોકાણ કરી રહી છે. Dassault સાથેની આ ભાગીદારી માત્ર દેખાડો નથી લાગતી, પરંતુ તે સંકેત આપે છે કે ગ્રૂપ ફરીથી ઊભું થવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રિલાયન્સ ઇન્ફ્રાના શેરની સ્થિતિ શું છે?
ઇન્ફ્રાના શેર મંગળવાર, 24 જૂનના રોજ 1.77 ટકાની વૃદ્ધિ સાથે 384.85 રૂપિયા પર બંધ થયા. એટલે કે એક દિવસમાં કંપનીએ તેના રોકાણકારોને પ્રતિ શેર 6.70 રૂપિયાનું રિટર્ન આપ્યું. છેલ્લા એક મહિનામાં કંપનીનું રિટર્ન 25.28 ટકા રહ્યું છે. એક વર્ષની વાત કરીએ તો આ દરમિયાન કંપનીએ તેના રોકાણકારોને 80 ટકાનું રિટર્ન આપ્યું છે.
એટલે કે એક વર્ષથી કંપનીમાં શેરહોલ્ડર તરીકે જોડાયેલા રોકાણકારોને પ્રતિ શેર 171.95 રૂપિયાનું રિટર્ન મળી ચૂક્યું હશે. 5 વર્ષના લાંબા રિટર્ન ગ્રાફની વાત કરીએ તો કંપનીના શેરનો ભાવ આ દરમિયાન 1,110.64 ટકા ચઢ્યો છે. હાલના સમયમાં કંપનીનું માર્કેટ કેપ 14,980 કરોડ રૂપિયા નોંધાયું છે.