
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીના આજે સોમવાર (26 મે, 2025)થી ફોર્મ ભરાવવાના શરૂ થયા છે. જેમાં આગામી 10 જૂન, 2055ના રાત્રે 11:59 સુધીમાં ફોર્મ ભરી શકાશે.
રેવન્યુ તલાટીના આજથી ફોર્મ ભરાવવાના શરૂ
મહેસૂલ વિભાગ હસ્તકની રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીની આજે સોમવારથી ફોર્મ ભરાવવાના શરૂ થયા છે. રેવન્યુ તલાટીની ભરતી 2025 માટે ઉમેદવારો Ojasની સત્તાવાર વેબસાઈટની ojas.gujarat.gov.in આ લીંક પરથી અરજી કરી શકશે.
હવે 12 પાસની જગ્યાએ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી
રાજ્યમાં 2389 રેવન્યુ તલાટીની ભરતી માટે બે સ્તરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા રહેશે. આ પરીક્ષા માટે તમામ ઉમેદવારોએ ફી ભરવાની રહેશે જેમાં પ્રાથમિક કસોટીમાં 40 ટકા કે તેથી વધુ માર્કસ લાવનારને ફી રિફંડ કરવામાં આવશે. રેવન્યુ તલાટીની ભરતીના નવા નિયમો હેઠળ હવે 12 પાસની જગ્યાએ ઉમેદવારોએ ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. આ સાથે ઉમેદવારોની ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની જગ્યાએ 20 વર્ષ કરવામાં આવી છે.