
ગુજરાત ભાજપના પ્રવકત્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસ અને જગન્નાથ રથયાત્રાને લઇને મોટું નિવેદન આપ્યું છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસને લહેર કે સુનામી કહી શકાય નહી. કોરોના વાઈરસ વિશ્વમાં ફેલાયા બાદ આ ચોથી વખત છે કે, કોરોનાના કેસ વધી રહ્યાં હોવાથી અમે કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છીએ.
કોરોનાનો વર્તમાન વેરિયન્ટ ઘાતક નથી. ગત સમયમાં કોરોનાના કેસમાં ઉત્તરોતર વધારો થયો હતો અને ત્યારબાદ તેમાં ઘટાડો થયો હતો. છેલ્લા 25 દિવસથી કેસ વધ્યા છે. પરંતુ જીવનું જોખમ નથી. લક્ષણ દેખાય તો તરત જ સારવાર ચાલુ કરવી જોઈએ તેવુ સૂચન પણ આરોગ્યમંત્રીએ કર્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોવિડ ફેમિલીનો વેરિયન્ટ છે પણ ઘાતક નથી, કોઈને શરદી ખાંસી, ગળામાં દુખાવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળે તો પોતાની જાતને ક્વોરન્ટાઈન કરી સારવાર કરાવવી જોઇએ અને સાવચેત રહેવું જરૂરી છે.
ઋષિકેશ પટેલે સતત વધતા કેસ અને રથયાત્રા મામલે વધુમાં લોકોને અપીલ કરતાં કહ્યું કે, જેને શરદી ખાંસીના લક્ષણો હોય, કોમોર્બિડ દર્દી, ઉંમર લાયક લોકોએ રથયાત્રામાં જવાનું ટાળવું જોઇએ. ઘરે બેસીને જ ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ. બીમાર લોકોએ ભીડમાં જવું જોઈએ નહીં.