ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે. આ સાથે જ એક્ટિવ કેસનો 717 થઈ ગયો છે. હાલમાં માત્ર 23 દર્દીઓ જ એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે, જ્યારે 694 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. છેલ્લા 24 કલાકમાં વધુ 68 દર્દીઓ સાજા થઈ ગયા છે અને કોઈ મૃત્યુ નોંધાયુ નથી. ત્યારે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પણ કોરોના અંગે સાવચેતી રાખવા જણાવ્યું છે.
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોનાના વધતા કેસ અંગે નિવેદન આપ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે ગુજરાત સહિત 4-5 રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઓમિક્રોન વાયરસ કોવિડ ફેમિલીનો જ એક વેરિયન્ટ છે અને તેને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. આ તૈયારીઓમાં ઓક્સિજન ટેન્કની મોકડ્રિલનો પણ સમાવેશ થાય છે.
ઋષિકેશ પટેલે લોકોને સાવચેતી રાખવા અપીલ કરતા કહ્યું કે, હાલમાં કોવિડ વાયરસ સક્રિય થયો છે ત્યારે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને ખાંસી-શરદીથી પીડાતા લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા જણાવ્યું. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર આ વાયરસને ગંભીરતાથી લઈ રહી છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની વ્યાખ્યા મુજબ આ વાયરસ ગંભીર પ્રકારનો નથી.
694 દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યાં છે
ગુજરાતમાં 29મી મેના કોરોનાના 223 એક્ટિવ કેસ હતા. આમ એક સપ્તાહમાં એક્ટિવ કેસમાં 300 ટકાથી પણ વધુનો વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, ગુજરાતમાં 717 એક્ટિવ કેસ છે અને તેમાંથી 694 દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યાં છે. હોમ આઈસોલેશન હેઠળના દર્દીએ સ્વાસ્થ્યનું સ્વ-નિરિક્ષણ ચાલુ રાખવું અને તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુઃખાવો જેવી સમસ્યા હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરવો.
કોરોના પોઝિટિવ દર્દીના જીનોમ સિકવન્સ ટેસ્ટિંગ જીબીઆરસી-ગાંધીનગર ખાતે કરવામાં આવે છે. જેમાં મુખ્યત્ત્વે જેએન 1, એલએફ.7, એલએફ.7.9., એક્સએફજી વેરિયન્ટ જોવા મળે છે.
આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે કોરોનાના કેસમાં દર 6-8 મહિને આવો વધારો આવતો હોવાથી ગભરાવવાની જરૂર નથી. હાલ દેશમાં કોરોના સૌથી વધુ એક્ટિવ કેસ હોય તેમાં કેરળ 1679 સાથે મોખરે, ગુજરાત બીજા, પશ્ચિમ બંગાળ 596 સાથે ત્રીજા સ્થાને છે. શુક્રવારે સવારે 11 સુધીમાં અમદાવાદમાં કોરોનાના નવા 88 કેસ નોંધાયા હતા. જ્યારે 34 દર્દી સાજા થયા છે. પહેલી મેથી છઠ્ઠી જૂન દરમિયાન અમદાવાદ શહેરમાં 559 કેસ નોંધાયા છે અને 183 દર્દી સાજા થયા છે, જ્યારે બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં 374 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.