
આજે દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિદેશમંત્રી એસ.જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિસરી ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન જયશંકરે ઓપરેશન સિંદૂરથી લઈને સંઘર્ષ વિરામ પર મહત્ત્વની માહિતી આપી છે. તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા ઘર્ષણ અને ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપતા કહ્યું કે, ‘અમે તમામ દેશોને કહ્યું હતું કે, પાકિસ્તાન હુમલા બંધ કરશે, તો અમે બંધ કરીશું. નહીં તો જડબાતોડ જવાબ મળતો રહેશે.’
વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે (26 મે, 2025) સંસદીય સલાહકાર સમિતિને જણાવ્યું હતું કે, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યાના 30 મિનિટની અંદર પાકિસ્તાનને જાણ કરી દીધી હતી. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે હવાઈ હુમલા કર્યા અને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ૭ મેની રાત્રે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું.
https://twitter.com/DrSJaishankar/status/1926915144082219482
સૂત્રોએ વિદેશ મંત્રીને ટાંકીને જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર શરૂ થયાના અડધા કલાકની અંદર જ પાકિસ્તાનને કહેવામાં આવ્યું હતું કે, ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
સિંધુ પર લેવાયેલો નિર્ણય દેશના હિતમાં હશે : જયશંકર
સૂત્રોના જણાવ્યા મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામમાં અન્ય દેશની ભૂમિકા અંગે જયશંકરે કહ્યું કે, ‘જ્યારે અન્ય દેશોએ અમને પૂછ્યું તો અમે કહ્યું કે, જો તેઓ ફાયરિંગ કરશે તો અમે ફાયરિંગ કરીશું, જો તેઓ અટકશે તો અમે અટકીશું.’ આ ઉપરાંત તેમણે સિંધુ જળ સમજૂતી અંગે કહ્યું કે, ‘જે કોઈપણ નિર્ણય લેવાશે, તે દેશના હિતમાં હશે અને સારો હશે.’
‘બે દેશોની વાતચીત બાદ નિર્ણય લેવાયો, ત્રીજા દેશની કોઈ ભૂમિકા નહીં’
જયશંકરની ટીમના સભ્યોએ કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરનો પ્રથમ તબક્કો પૂરો થયા બાદ અમેરિકન સેક્રેટરીએ કહ્યું હતું કે, પાકિસ્તાન મોટો હુમલો કરી શકે છે, તો અમે જવાબ આપ્યો હતો કે, પાકિસ્તાન મોટો હુમલો કરશે તો અમે તેનાથી પણ મોટો હુમલો કરવા માટે તૈયાર છીએ.’ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાવાળી પોસ્ટ મામલે વિદેશમંત્રીએ કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાનની DGMO વચ્ચે વાતચીત થયા બાદ સંઘર્ષ વિરામનો નિર્ણય લેવાયો છે, તેમાં અન્ય દેશની કોઈ ભૂમિકા નથી.’
તણાવ ટાળવા માટે પાકિસ્તાનને માહિતી આપવામાં આવી
ઇસ્લામાબાદની પહેલ પર ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે સીધા સંદેશાવ્યવહાર પછી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં હાજર સૂત્રોએ જણાવ્યું હતું કે જયશંકરે સભ્યોને ખાતરી આપી હતી કે ભારતે ફક્ત આતંકવાદી માળખાને નિશાન બનાવીને ચોકસાઈથી કાર્યવાહી કરી છે અને તણાવ વધવાથી બચવા માટે પાકિસ્તાનને તાત્કાલિક આ અંગેની જાણ પણ કરવામાં આવી હતી.
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર અમેરિકાના દાવા અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતનું વલણ દસ શબ્દોમાં બતાવી દીધું છે. તેઓ ગોળીબાર કરે છે તો અમે ગોળીબાર કરીએ છીએ. જો તેઓ અટકે તો આપણે પણ અટકી જઈશું. એસ જયશંકરે એમ પણ કહ્યું કે જ્યારે અમેરિકાના વિદેશ મંત્રીએ ગુપ્ત માહિતી આપી હતી કે, પાકિસ્તાન મોટા પાયે બદલો લઈ શકે છે, ત્યારે ભારતે સખ્ત જવાબ આપ્યો. જો પાકિસ્તાને હુમલો વધાર્યો તો અમે પણ તે જ રીતે જવાબ આપવા તૈયાર છીએ.
સંસદીય સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થઈ
વિદેશ બાબતોની સંસદીય સલાહકાર સમિતિની બેઠક એસ જયશંકરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં ઓપરેશન સિંદૂર અને સરહદ પારના આતંકવાદ પર ચર્ચા કરવામાં આવી હતી. કેસી વેણુગોપાલ, મનીષ તિવારી, મુકુલ વાસનિક, પ્રિયંકા ચતુર્વેદી, અપરાજિતા સારંગી અને ગુરજીત સિંહ ઔજલા સહિત ઘણા સાંસદોએ તેમાં ભાગ લીધો હતો.