
દેશના 25 કરોડ કર્મચારીઓએ બુધવારે દેશવ્યાપી હડતાળ પર ઉતરવાના છે. એમાં બેંકિગ, વીમા, પોસ્ટ સેવાઓથી લઈને કોલસા ખનન સુધી કામ કરનારા કર્મચારીઓ શામેલ થશે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચે આને ભારત બંધનું નામ આપ્યું છે. યુનિયનોનું કહેવું છે કે સરકારે મજૂરોની માંગને નજરઅંદાજ કરી છે અને કોર્પોરેટ હિતોને મહત્ત્વ આપ્યું છે. આ હડતાલ માટે મહિનાઓથી તૈયારી ચાલી રહી હતી.
ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના અમરજીત કૌરે જણાવ્યું કે, 25 કરોડથી વધુ મજૂરો આ હડતાલમાં શામેલ થશે. ખેડૂતો અને ગ્રામીણ મજૂરો પણ દેશભરમાં વિરોધમાં ઉતરશે. યુનિયનની હડતાળ દરમિયાન બેંકિંગ સેવાો, પોસ્ટ, વીમા વગેરે સેવાઓ પ્રભાવિત થશે. આ ઉપરાંત સરકારી પરિવહન પણ પ્રભાવિત થશે. શેર માર્કેટ અને સર્રાફા બજાર ખુલ્લું રહેશે.
હડતાળના મુખ્ય કારણો
1. શ્રમ સુધારાઓનો વિરોધ: યુનિયનો કહે છે કે સરકારના 4 નવા લેબર કોડ મજૂરોના અધિકારોને નબળા પાડે છે, જેમાં યુનિયન પ્રવૃત્તિઓને સીમિત કરવી. કામના કલાકો વધારવા અને નોકરીઓને અસુરક્ષિત બનાવવાનો સમાવેશ થાય છે.
2. ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ: જાહેર સાહસોના ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ આધારિત નોકરીઓને પ્રોત્સાહન આપવાની નીતિઓનો વિરોધ.
3. ખેડૂતોના મુદ્દાઓ: સંયુક્ત કિસાન મોરચા પણ હડતાળમાં જોડાઈ રહ્યું છે અને MSP ગેરંટી, કૃષિ કાયદાઓ મુદ્દે સરકાર પર દબાણ લાવી રહ્યું છે.
4. મોંઘવારી અને બેરોજગારી: યુનિયનોનો આરોપ છે કે સરકારે કામદારો માટે લઘુત્તમ વેતન વધારવા, પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા અને રોજગાર સર્જનની માંગણીઓને અવગણી છે.
યુનિયનોની માંગણીઓ
4 લેબર કોડ પાછા ખેંચવામાં આવે.
જાહેર ક્ષેત્રના સાહસોનું ખાનગીકરણ બંધ કરો.
લઘુત્તમ વેતન ₹ 26,000 પ્રતિ માસ નક્કી કરવામાં આવે.
જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવામાં આવે
ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રોજગાર ગેરંટી યોજનાનું વિસ્તરણ
કયા યુનિયનો હડતાળમાં સામેલ છે?
આ ભારત બંધમાં શામેલ મુખ્ય યુનિયનો
ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC)
ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC)
હિંદ મજદૂર સભા (HMS)
સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (CITU)
ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર (AIUTUC)
ટ્રેડ યુનિયન કોઓર્ડિનેશન સેન્ટર (TUCC)
સ્વ-રોજગાર મહિલા સંગઠન (SEWA)
ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન્સ (AICCTU)
લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (LPF)
યુનાઇટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (UTUC)