
અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીનું ઇતિહાસમાં પ્રથમ વખત શુદ્ધિકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. આજ રોજ પર્યાવરણ દિવસ નિમિત્તે આ શુદ્ધિકરણ અભિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્ણ થયાની જાહેરાત કરાઇ છે. હવે નદીમાં ફરી નર્મદાના નીર ઠલવાશે,જેથી ફરીથી નદીની રોનકમાં વધારો થશે.
અમદાવાદ શહેરની શાન સમાન સાબરમતી નદીનું સફાઇ અભિયાન ઘણા દિવસોથી ચાલી રહ્યું હતું. આ સફાઇ અભિયાનમાં જોડાવા તંત્રએ સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી હતી. આ દરમ્યાન વિવિધ એનજીઓ સહિત 90 હજાર જેટલા લોકો આ સફાઇ અભિયાનમાં જોડાઈને નદીની સફાઇ કામગીરી હાથ ધરી હતી. નદીમાંથી 901 મેટ્રિક ટન કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. હવે આવતીકાલથી સાબરમતી નદીમાં ફરીથી નર્મદા નદીના પાણી ઠલવાશે. મનપા તંત્રએ આજરોજ પર્યાવરણ દિવસ નિમિત્તે આ સફાઇ કામગીરી પૂર્ણ થયાની જાહેરાત કરી છે. જેથી, ફરી એક વાર શહેરીજનોને સાબરમતીમાં પાણીના નયનરમ્ય નજારા જોઈ શકશે.