Home / : Habits to follow for couples with stable and satisfying relationships

Sahiyar : સ્થાયી અને સંતોષકારક સંબંધ ધરાવતા કપલોની અનુસરવા જેવી આદતો

Sahiyar : સ્થાયી અને સંતોષકારક સંબંધ ધરાવતા કપલોની અનુસરવા જેવી આદતો

બે વ્યક્તિ વચ્ચે એક મજબૂત દીર્ઘકાલીન સંબંધ બનાવવા માટે પ્રયાસ, સમજદારી અને ગાઢ ભાવાત્મક જોડાણ આવશ્યક છે. રિલેશનશીપ નિષ્ણાંતોએ એવા પંદર મહત્વના લક્ષણોની ઓળખ કરી છે જે સફળ કપલોમાં મોટાભાગે જોવા મળે છે. આ લક્ષણો બે જણની ભાગીદારીને મજબૂત કરીને સંતોષકારક સ્થાયી જોડાણ સુનિશ્ચિત કરે છે. આ પંદર લક્ષણો નીચે મુજબના છે:

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

૧. સતત એકમેકની કદર કરતા રહે

સફળ કપલો ક્યારે પણ એકમેકની અવગણના નથી કરતા. તેઓ સક્રિયપણે નજીવી બાબતોમાં પણ આભાર અને પ્રશંસા વ્યક્ત કરતા રહે છે અને પોતાના પ્રેમની યાદ અપાવતા રહે છે. પછી એ કોફી બનાવવા જેવી નજીવી બાબત માટે આભાર વ્યક્ત કરવાનો હોય કે પછી હૃદયપૂર્વકની પ્રશંસા હોય, આવી અભિવ્યક્તિ પ્રેમ અને આદર પોષતા સકારાત્મક વાતાવરણનું સર્જન કરે છે.

૨. પ્રેમાળ હાવભાવની આદત

શારીરિક પ્રેમ ભાવાત્મક જોડાણ જીવંત રાખવામાં સહાયરૂપ સાબિત થાય છે. ખુશાલ કપલો આલિંગન, કપાળ પરના ચૂંબન અને ભેટવા જેવા બિન-જાતીય સ્પર્શ વારંવાર કરતા રહે છે. આ નાના છતાં મજબૂત ઈશારા બંને પાર્ટનરોને તેમનો પ્રેમ અને એકમેકના જીવનમાં હાજરીનો અહેસાસ કરાવતા રહે છે.

૩. પારસ્પરિક આદર-સન્માન

લાંબા ગાળાના સંબંધો પારસ્પરિક આદર પર નભે છે. પાર્ટનરો એકબીજાને મૂલ્યવાન વ્યક્તિઓ તરીકે ગણે છે અને એકબીજા સાથે આદર અને સન્માનથી વર્તે છે. તેઓ એકબીજા સાથે અપમાનજનક વર્તન કરવાનું ટાળે છે અને તેના સ્થાને એકબીજાની ખાસિયતો અને સિદ્ધિઓની પ્રશંસા કરીને તેમને પ્રોત્સાહિત કરતા રહે છે.

૪. સ્વસ્થ સીમાંકન

એકબીજાની વ્યક્તિગત અવકાશનો આદર અને સ્વસ્થ સીમાંકન સંબંધોને વધુ નિખારે છે. સફળ કપલો તેમની હદ સ્પષ્ટપણે નક્કી કરે છે અને સંબંધ મજબૂત બનાવવાની સાથે વ્યક્તિગત ઓળખ જળવાઈ રહે તેની ખાતરી કરે છે. હદ નક્કી કરવાથી નારાજગી ટાળી શકાય છે અને ભાવાત્મક સુખાકારીને પ્રોત્સાહન મળતા સંબંધો વધુ મજબૂત બને છે.

૫. મતભેદનું આદરપૂર્વક નિરાકરણ

અસહમતિ અનિવાર્ય છે, પણ કપલો તેને કેવી રીતે સંભાળે છે તેનાથી તેમના સંબંધની મજબૂતી નક્કી થાય છે. મજબૂત કપલો અપમાન, કાવતરા અથવા ભાવાત્મક હુમલા કર્યા વિના સ્વચ્છ મતભેદ ધરાવી શકે છે. તેઓ એકબીજાને હાનિ પહોંચાડયા વિના મુદ્દાના સમાધાન પર ધ્યાન આપીને સંબંધમાં વિશ્વાસ અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

૬. સક્રિય અને વિકસતો જાતીય સંબંધ

એક સફળ રિલેશનશીપમાં શારીરિક ઘનિષ્ઠતા જરૂરી છે. જાતીયતા નીરસ થવા દેવાના સ્થાને સફળ કપલો તેમની ઘનિષ્ઠતા રોમાંચક અને સંતોષકારક રાખવા સતત પ્રયાસ કરતા રહે છે. તેઓ પોતાની ઈચ્છાઓ વિશે ખુલ્લા મનથી વાત કરે છે અને રોમેન્ટીક મુલાકાતોની યોજના બનાવીને એકબીજાના સંતોષને પ્રાથમિકતા આપે છે.

૭. એકબીજાની સ્વતંત્રતાની કદર 

રિલેશનશીપમાં હોવાનો અર્થ એવો નથી કે વ્યક્તિઓ પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવી બેસે. સફળ કપલો સમજી શકે છે કે બંને પાર્ટનરોને તેમના સંબંધની બહાર પણ અંગત લક્ષ્યો, ઈચ્છાઓ અને જવાબદારી હોય છે. તેઓ એક ટીમ તરીકે કામ કરતા રહીને પણ અંગત વિકાસ અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપતા રહે છે.

૮. અસરકારક વાતચીત

સ્પષ્ટ,પ્રમાણિક અને લાગણીસભર વાતચીત કોઈપણ મજબૂત સંબંધનું હાર્દ હોય છે. જે કપલો સક્રિયપણે એકબીજાને સાંભળે છે, કોઈપણ ભય વિના પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે અને એક બીજાની ભાવનાઓની કદર કરે છે તેમની વચ્ચેનું જોડાણ અત્યંત ગાઢ બને છે. તેઓ પોતાની વચ્ચેના મતભેદો ઝડપથી નિપટાવે છે અને બંને પાર્ટનરો પોતાની અવગણના ન થતી હોવાનું મહેસૂસ કરે છે.

૯. મિત્રતાનો પાયો

સમયની કસોટીને પાર કરતા રોમેન્ટીક સંબંધો મિત્રતાના પાયા પર બનેલા હોય છે. પાર્ટનરો સાથે સમય વિતાવવા ઉત્સુક હોય છે અને તેઓ સહિયારી ઈચ્છાઓ શેર કરીને જીવનના ચઢાવ ઉતારમાં એકબીજાને ટેકો આપે છે. તેમની મિત્રતાનો બોન્ડ કઠિન સમયમાં પણ અતૂટ રહે છે.

૧૦. સતત પ્રેમની અભિવ્યક્તિ

હનીમૂનના તબક્કા પછી રોમાન્સનો અંત નથી આવતો. સફળ કપલો સુખદ આશ્ચર્યો, રોમેન્ટીક ડિનરો, અચાનક ફરવા જવાની યોજના અને અર્થસભર વર્તણૂંકથી એક બીજાને ડેટ કરતા રહે છે. તેનાથી સંબંધ જીવંત અને રોમાંચક બની રહે છે.

૧૧. જવાબદારી લેવી અને દરકાર કરવી

મજબૂત સંબંધ ધરાવતા પાર્ટનરો એકબીજા પર દોષ ઢોળવાના સ્થાને પોતાની ભૂલો સ્વીકારીને નિષ્ઠાપૂર્વક માફી માંગી લે છે અને જરૂરી સુધારા પણ કરી લે છે. એકબીજાની લાગણીનું ધ્યાન રાખવા માટે તેઓ સહાનુભૂતિપૂર્વક પોતાના કાર્યો કરે છે.

૧૨. સ્વસ્થ સમાધાન

કોઈપણ સ્થાયી સંબંધ માટે સમાધાન જરૂરી છે. જે કપલો બલિદાનના સ્થાને સંતુલનને મહત્વ આપે છે તેઓ એકબીજાની જરૂરીયાતો અને મૂલ્યોનો આદર કરીને મધ્ય માર્ગ શોધી લે છે. આ પારસ્પરિક આપ લે એકબીજા વચ્ચે તાલમેલ અને સમજદારીને પ્રોત્સાહન આપે છે.

૧૩. યોગ્ય રીતે ક્ષમા માગવી અને આપવી

કોઈપણ વ્યક્તિ પરિપૂર્ણ નથી અને ભૂલો થવી સ્વાભાવિક છે. કપલો આવી ભૂલોમાં કેવો વર્તાવ કરે છે તે મહત્વનું છે. સફળ સંબંધમાં નિષ્ઠાપૂર્વકની ક્ષમા માંગવી અને ખરા અર્થમાં માફ કરવાનું સામેલ હોય છે. વેરેઝેર રાખવાથી બંને વચ્ચે અંતર વધે છે જ્યારે ક્ષમાથી વિશ્વાસ અને જોડાણ મજબૂત બને છે.

૧૪. સહયોગ

સફળ કપલો સમજે છે કે સંબંધોમાં હારજીતને સ્થાન નથી હોતું. તેઓ અહંના સ્થાને સંબંધને પ્રાથમિકતા આપે છે અને જરૂર પડે ત્યારે નમી જવામાં નાનપ નથી અનુભવતા. આ પારસ્પરિક સમજદારીથી બંને પાર્ટનરોને પોતાનો આદર થયાનું મહેસૂસ થાય છે.

૧૫. જતુ કરવું

ભૂતકાળની ભૂલો અથવા ફરિયાદો પકડી રાખવાથી સંબંધમાં અંતર સર્જાય છે. સફળ કપલો સંનિષ્ઠ ક્ષમાની આદત કેળવે છે અને નારાજગી પાળી રાખવાના સ્થાને વિવાદનું નિરાકરણ કરવાનું પસંદ કરે છે. તેઓ એકબીજાની ક્ષતિઓને સ્વીકારે છે અને પ્રેમ તથા સમજદારીથી આગળ વધે છે.

આ પંદર આદતો કેળવીને કપલો સમયની કસોટી પર ખરો ઉતરે તેવો સંતોષકારક, પ્રેમાળ અને સ્થાયી સંબંધ વિકસાવી શકે છે.

- ઉમેશ ઠક્કર

Related News

Icon