
- રજનીગંધા
- હું છોકરી છું. અને દેખાવે કંઈ સાવ નાખી દેવા જેવી નથી. અમારી નાતમાં આમેય છોકરીઓ ઓછી છે. એટલે મને તો જોઈએ એવો બેસ્ટ છોકરો મળી રહેશે.'
'સુમિતા, એક વાત કહું ?' કૌશિકે તેનાં કપડા પહેરતાં જરા અટકીને પછી સુમિતા સામું જોતા કહ્યું : 'યાર, ઘણા વખતથી થયા કરતું હતું કે તને કહેવું છે. પણ આજે તો કહી જ દેવું છે.'
'બોલને,' સુમિતાએ તેનું અંતરવસ્ત્ર પહેરતાં કહ્યું.
કૌશિક પલંગમાં ખસીને તેની પાસે આવ્યો. સુમિતાના ખભે હળવેથી હાથ મુકતાં બોલ્યો : 'યાર, આઈ લવ યુ!'
સુમિતા થંભી ગઈ. તેણે ખભો ફેરવીને કૌશિકનો હાથ ખસેડી નાંખ્યો પછી ખભા ઉપર અંતરવસ્ત્રની પટ્ટી સરખી કરતાં તે
બોલી :
'આ એક વાર બોલ્યો એ બોલ્યો, હવે ફરી આવું બોલતો નહીં.'
'કેમ, મારાથી તને લવ ના કરાય?'
'ના કરાય.' સુમિતાએ ટીશર્ટ પહેરતાં સાવ ટુંકો જવાબ આપ્યો.
'પણ કેમ ના કરાય?' કૌશિક હજી હાથમાં પેન્ટ પકડીને બેઠો હતો.
'એટલા માટે કે મને આ લવ-બવ વાળું ફાવતું નથી. આજે તું લવ કરવાનું ચાલુ કરીશ. કાલે ઉઠીને કહીશ,કે મારે તારી જોડે મેરેજ કરવાં છે.'
એ તો કરવા જ પડે ને? કૌશિકે ઉભા થઈને પેન્ટ પહેરતાં કહ્યું : 'એક વાર લવ થઈ ગયો. પછી મેરેજ ના કરીએ તો થોડું ચાલે?'
'અને પછી ?'
સુમિતાના ટુંકા સવાલથી કૌશિક જરા ગુંચવાયો. પછી એટલે વળી શું?
'પછી એટલે પછી બકા.' સુમિતાએ બે હાથ વડે પોતાના વાળ માથા ઉપર બાંધતાં કહ્યું 'મેરેજ પછી શું? તું આમેય કોમર્સિયો કોલેજિયન છે. ભણી રહ્યા પછી બે વરસ લગી તો નોકરું પણ નહીં મળે ! અને માંડ માંડ ક્યાંક મળશે તો દસ-બાર હજારની ફાલતુ નોકરી મળશે. એમાં મારે શું કરવાનું?'
કૌશિક બે ઘડી માટે ડઘાઈ ગયો. પછી શર્ટ પહેરતાં તેણે સામો સવાલ કર્યો. એમ તો તું પણ કોમર્સવાળી જ છે ને? તું ક્યાં મોટી મહારાણી છે?
'નથી! મને ખબર છે.' સુમિતાએ સામી ચોપડાવી 'પણ હું છોકરી છું. અને દેખાવે કંઈ સાવ નાખી દેવા જેવી નથી. અમારી નાતમાં આમેય છોકરીઓ ઓછી છે. એટલે મને તો જોઈએ એવો બેસ્ટ છોકરો મળી રહેશે.'
'બંગલાવાળો...ગાડીવાળો...નહીં?'
'હાસ્તો?'
'તો પછી તું મારી જોડે શું કામ-'
'જો કૌશિકીયા, સુમિતા બિલકુલ કૌશિકની સામે આવીને ઉભી રહી.' મેં તો કોલેજ જ એટલા માટે જોઈન કરેલી કે ગામડાના બંધિયાર વાતાવરણમાંથી રોજ બહાર નીકળવા મળે. એમાં એસટી બસમાં અપ-ડાઉન કરતાં કરતાં તું મળી ગયો.
'હા, પણ એમ તો એસટી બસમાં બીજા છોકરાઓ પણ હતા જ ને?'
'પણ તું મને ગમી ગયેલો. બસ?'
'ગમી ગયેલો, મિન્સ કે, થોડો લવ તો ખરો ને?'
'કોશિકીયા, મેં તને પહેલાં જ કીધું કે મને લવ-બવમાં ઇન્ટ્રેસ્ટ નથી. જો એવું હોત તો મેં તને પહેલાં જ ના કીધું હોત? આ રીતે આપણું એક વરસથી ચાલે છે. એમાં મેં તને ક્યારેય એવું કંઈ કીધું?'
કૌશિક કંઈ બોલ્યો નહીં એટલે સુમિતાએ પોતાના હાથ વડે એનો ચહેરો પોતાની તરફ ફેરવતાં ફરી પૂછ્યું : 'એવું કંઈ કીધું? હા કે ના?'
કૌશિકે જરા નિરાશ થઈને ના પાડી. જો કે એ પછી કૌશિક કંઈ બોલ્યો નહીં.
બન્ને છૂટા પડયા. ત્યાર બાદ મળવાનું તો થતું હતું. પણ કોણ જાણે કેમ. કૌશિકના મનમાં કંઈક ખટકયા કરતું હતું. હવે પહેલાં જેવી વાત રહી નહીં. પહેલાં જેવો રોમાંચ રહ્યો નથી.
પહેલાંની જેમ પહેલાં જે 'ધકધક' થતું હતું એવું થતું નહોતું અને પહેલાંની જેમ છૂટા પડયા પછી મોડી રાત સુધી સુમિતાની નાની નાની હરકતોને યાદ કરીને પથારીમાં પડખાં ઘસવાનું પણ થતું નહોતું.
પેલી બાજુ સુમિતાએ પણ કૌશિકને આ રીતે મળવાનું ઓછું કરી નાંખ્યું. એના બે કારણ હતાં. એક તો ફાઈનલ યરમાં એને સારા માર્કસ લાવવા હતા. અને બીજું, ફોરેનમાં જવા માટે આઈઇએલટીએસ એકઝામ આપવાની હતી.
કોલેજની એકઝામોનાં છેલ્લાં પેપર પતી ગયાં એ દિવસે સુમિતાએ કૌશિકને મળવા બોલાવ્યો હતો. કૌશિક બહુ ઇમોશનલ થઈ ગયો હતો. 'બસ? હવે ક્યારે મળીશું?'
સુમિતાએ હસીને કહ્યું હતું 'કેમ મારા મેરેજની કંકોત્રી આપવા તો આવીશ ને?'
એ પછી સુમિતાએ કહ્યું હતું એવું જ થયું. કૌશિકને છેક મહેસાણાના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બાર હજાર રૂપિયાની ફાલતુ નોકરી મળી હતી. સુમિતાને માટે છેક કેનેડા અને અમેરિકાથી માંગા આવતાં હતાં.
બે વરસ પછી જ્યારે કૌશિકનો પગાર વધીને સાડા તેર હજાર થયો હતો ત્યારે સુમિતા પોતાના મેરેજની કંકોત્રી આપવા આવી હતી. છોકરો કેનેડાનો હતો. સોફ્ટવેર એન્જિનિયર હતો. સુમિતાએ કૌશિકનો ગાલ પર ટપલી મારીને હસતાં હસતાં કીધું હતું : 'મેરેજમાં આવવાનું જ છે હોં!'
કૌશિક મેરેજમાં ગયેલો પણ ખરો. પરંતુ સુમિતાએ એની સામું સરખી રીતે જોયું. પણ નહીં. એ તો દુલ્હનના ડ્રેસમાં ફોટોગ્રાફરો અને વિડીયોવાળાઓને જ ધ્યાનમાં રાખીને સ્માઈલો આપતી હોય એવું લાગ્યું.
એકાદ વરસ પછી સુમિતા કેનેડા જતી રહી. તે પછી કૌશિક નોકરું ટીચતો રહ્યો.
બે વરસ પછી અચાનક સુમિતાનો વિડીયો કોલ આવ્યો : 'એય સાંભળ! મહિના માટે ઇન્ડિયા આવી છું! તારી જોડે પહેલાંની જેમ મળવું છે! બોલ, ક્યારે ગોઠવવું છે?'
કૌશિક તરત કંઈ બોલી શક્યો નહીં. એની આંખ સામે કોલેજ ટાઈમની હજારો ક્ષણો ઉપસી આવી. એ કોલેજનો પહેલો દિવસ.. એસટી બસમાં પહેલી વાર નજરોનું ટકરાવું.. પહેલી વાર એકબીજાના નામ પૂછવાં. અને ત્યાંથી લઈને પહેલીવાર જ્યારે એકાંતમાં મળ્યા.
'ઓ હલો? ક્યાં ખોવાઈ ગયો કૌશિક? બોલ ને ક્યારે મળવું છે?'
કૌશિકે ગળે બાઝેલો ડૂમો ઉતારતાં કહ્યું ,'સુમિતા રહેવા દે. નથી મળવું. હવે.'
'કેમ, કેમ?'
'કેમ કે હું તને હજી પણ લવ કરું છું.' કૌશિકે ફોન કટ કરી નાંખ્યો.
સુમિતા વિચારતી જ રહી ગઈ, કઈ જાતનો લવ હતો આ?
- વિભાવરી વર્મા