
ICC ટી-20 વર્લ્ડકપ 2026 માટે અત્યાર સુધી 13 ટીમની જાહેરાત થઇ છે. ભારત અને શ્રીલંકામાં આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાનારા ટી-20 વર્લ્ડકપમાં કૂલ 20 ટીમ રમશે. ભારત અને શ્રીલંકા સહિત કૂલ 13 ટીમ ફાઇનલ થઇ ગઇ છે જ્યારે સાત ટીમની જાહેરાત આ વર્ષે ઓક્ટોબરના અંત સુધી થશે.
તાજેતરમાં કેનેડાની ટીમે અમેરિકન રીઝનમાંથી ક્વોલિફાઇ કર્યું છે. યુરોપ ક્વોલિફાયર્સ માટે બે ટીમ 11 જુલાઇ સુધી ફાઇનલ થઇ જશે. આ ટૂર્નામેન્ટ પણ ગત ટૂર્નામેન્ટની ફોર્મેટમાં જ રમાશે જેમાં 20 ટીમને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે. તે બાદ સુપર 8 મુકાબલા રમાશે અને પછી સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે.
ટી-20 વર્લ્ડકપ 2026 માટે 13 ટીમ થઇ ફાઇનલ
યજમાન તરીકે ભારત અને શ્રીલંકાએ 2026ના ટી-20 વર્લ્ડકપ માટે પ્રથમ બે સ્થાનો પર કબ્જો કરી લીધો હતો. તે બાદ 10 ટીમની પસંદગી 2024 સિઝનમાં સુપર 8 ક્વોલિફાયર અને 30 જૂન 2024ની કટ ઓફ ડેટ પર ICC મેન્સ T20I ટીમ રેન્કિંગના આધાર પર થયુ હતું. વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાયેલા ટી-20 વર્લ્ડકપ 2024માં સુપર 8માં પ્રવેશને કારણે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝે 2026 ટી-20 વર્લ્ડકપમાં જગ્યા બનાવી હતી. જ્યારે અમેરિકાએ પણ ટોપ 8માં પાકિસ્તાનને હરાવીને પ્રવેશ કર્યો હતો. ટી-20 વર્લ્ડકપ 2025માં સુપર 8 ચૂકવા છતા પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ અને આયરલેન્ડ સાથે પોતાની ટી-20 રેન્કિંગની મદદથી આગામી સિઝનમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું.
T20 World Cup 2026 માટે અત્યાર સુધી ક્વોલિફાય કરનારી ટીમ
ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, કેનેડા, ઇંગ્લેન્ડ, આયરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ
7 સ્થાન માટે 22 ટીમ વચ્ચે થશે ટક્કર
આ ટીમો સિવાય સાત ટીમ આ ટૂર્નામેન્ટમાં રમશે. એક રીતે જોવા જઇએ તો 22 ટીમમાં બાકીની સાત જગ્યા માટે ટક્કર થશે. એશિયા અને ઇસ્ટ એશિયા પેસિફિક રીઝનથી ત્રણ ટીમ ક્વોલિફાય કરશે જ્યારે બે-બે ટીમ યુરોપ ક્વોલિફાયર અને દક્ષિણ આફ્રિકા ક્વોલિફાયરમાંથી આવશએ. એશિયા-ઇસ્ટ એશિયા પેસિફિક રિઝનમાંથી જાપાન, કુવૈત, મલેશિયા, નેપાળ, ઓમાન, પાપુઆ ન્યુ ગિની, કતાર, સમોઆ અને યુએઇની ટીમ ક્વોલિફાયર રમશે અને તેમાંથી ત્રણ ટીમ સીધી ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરશે.
બીજી તરફ યુરોપ ક્વોલિફાયર્સમાં ઇટાલી, જર્સી, ગ્વેનર્સે, નેધરલેન્ડ અને સ્કોટલેન્ડની ટીમ રમશે જેમાંથી બે ટીમ ટી-20 વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરશે. આ સિવાય આફ્રિકા ક્વોલિફાયર્સની વાત કરીએ તો બોત્સવાના, કેન્યા, મલાવી, નામીબિયા, નાઇઝીરિયા, તંજાનિયા, યુગાન્ડા અને ઝિમ્બાબ્વેની ટીમ ક્વોલિફાયર્સ રમતી જોવા મળશે જેમાંથી પણ બે ટીમને ગ્લોબલ ટૂર્નામેન્ટમાં રમવાની તક મળશે.