
Rajkot News: રાજકોટના બહુ ચર્ચિત TRP ગેમઝોન અગ્નિ કાંડ બાદ મનસુખ સાગઠીયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત જપ્ત કરવામાં આવી હતી. મનસુખ સાગઠીયાની જપ્ત કરેલી મિલકતો મામલે ED દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. ED દ્વારા 21 કરોડથી વધુની મિલકત અંગે અરજી કરવામાં આવી છે. કબ્જે કરેલી મિલકત સાગઠીયા કે તેનો પરિવાર અન્ય કોઇના નામે ન કરી શકે તે બાબતે અરજી કરવામાં આવી છે. આ કેસમાં આગામી સુનાવણી 26 મે 2025 ના રોજ થશે.
મનસુખ સાગઠીયા વતી કોઈ કોર્ટમાં હાજર રહ્યું નહોતું. અગાઉ રાજકોટ એસીબી પણ આ પ્રકારની અરજી કોર્ટમાં કરી ચૂક્યું છે. TRP ગેમઝોન અગ્નિ કાંડ બાદ મનસુખ સાગઠીયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.
EDની તપાસ દરમિયાન મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલકતોની કિંમત રૂ.21,61,59,129 થાય છે. આ મિલકતો પી.એમ.એલ.એ. એકટ હેઠળ EDએ જપ્ત કરી છે. હાલનો કેસ રાજકોટ એ.સી.બી.એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દાખલ કરી આરોપીની મિલકત કોર્ટ કસ્ટડીમાં સોંપી હતી.
આ મિલકતો કોર્ટની કસ્ટડીમાં હોવાથી ED આ અરજી કરી કોર્ટને જણાવ્યું છે કે, પી.એમ.એલ. એકટની કલમ 8 હેઠળ હાલનો કેસ દિલ્હી ખાતે એડજ્યુડિકેટિંગ ઓથોરિટી સમક્ષ ચાલવાપાત્ર હોય આ મિલ્કતો અંગે ટ્રાન્સફર અંગેનો કોઈ હુકમ ન કરવા અરજી કરી છે.