
UK And Indian News : યુકેએ વિઝા અને ઇમિગ્રેશન નીતિઓ વધારે આકરી બનાવતા વિદેશીઓએે ત્યાંથી નીકળવા દોટ લગાવી છે. તેમાં ભારતીયો મોખરે છે. યુકેની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના 2024ના આંકડા મુજબ 58 હજાર ભારતીયોએ યુકે છોડયું છે. તેના પછીના ક્રમે ચાઇનીઝ, નાઈજીરિયન, પાકિસ્તાનીઓ અને અમેરિકનોનો સમાવેશ થાય છે.આ બતાવે છે કે યુકેમાં રિવર્સ માઇગ્રેશન થઈ રહ્યું છે.
45 હજાર ચાઇનીઝ સ્ટુડન્ટ્સ અને કામદારોએ યુકે છોડયું
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ)ના 2024ના વિશ્લેષણ મુજબ અમેરિકા છોડીને ગયેલા ભારતીયોમાં 37 હજાર ભારતીયો સ્ટડી રીઝન માટે આવ્યા હતા અને 18 હજાર કામકાજ માટે આવ્યા હતા. જ્યારે બાકીના ત્રણ હજાર કોઈ અજ્ઞાાત કારણસર આવ્યા હતા. તેના પછીના ક્રમે કુલ 45 હજાર ચાઇનીઝ સ્ટુડન્ટ્સ અને કામદારોએ યુકે છોડયું હતું.
ત્રીજા ક્રમે નાઈજીરિયનો આવે છે. લગભગ 16 હજાર નાઈજીરિયનોએ અને તેના પછી 12 હજાર પાકિસ્તાનીઓ તથા આઠ હજાર અમેરિકનોએ યુકે છોડયુ હતુ. યુકે છોડનારાઓમાં આ પાંચ દેશોના લોકો ટોચના પાંચ ક્રમે આવે છે. આના પગલે ગયા વર્ષે ચોખ્ખું માઇગ્રેશન ઘટીને 431000 થયુ હતુ. તે વર્ષ અગાઉના આંકડા કરતાં અડધુ હતુ. યુકેમાં નોંધાયેલો આ ઘટાડો છેલ્લા 12 મહિના પછીનો સૌથી મોટો ઘટાડો છે.
બ્રિટનમાં એક સમયે ઇમિગ્રેશનનો આંકડો દસ લાખે પહોંચતા મોટાપાયા પર હોહા થઈ હતી. સ્ટારમેરની લેબર પાર્ટીએ તેનો મહત્વનો મુદ્દો બનાવ્યો હતો. સ્ટારમેરે આ સ્થિતિ બદલવાનું વચન આપ્યું હતું. આમ યુકેમાં છેલ્લા ત્રણ વર્ષમાં પહેલી વખત લાંબા ગાળાના ઇમિગ્રેશનનો આંકડો ઘટીને દસ લાખથી નીચે ઉતરી ડિસેમ્બર 2024ના અંતે 948000 થયો છે. આમ તેમા અગાઉના વર્ષના 1326000ની તુલનાએ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
જ્યારે યુકે છોડનારાઓની સંખ્યા પણ 11 ટકા વધીને ડિસેમ્બરના અંતે 517000 થઈ છે, જે ગયા વર્ષે 466000ની હતી.