
- વેદના-સંવેદના
- જ્યોતિષશાસ્ત્રમાં 'મંગળ' અને 'કાલસર્પ દોષ' હોય તો તે વ્યક્તિના જીવનમાં અનેક અવરોધો આવી શકે એવું માનવામાં આવે છે.
શું કરવુ એ સમજાતું નથી. ભવિષ્ય માટે સેવેલાં બધાં જ સ્વપ્નાઓ ધૂળમાં મળી ગયાં છે. ચારે બાજુ અંધકાર જ અંધકાર દેખાય છે. છતાં ભગવાનના ભરોસે અંધારામાં ફાંફાં મારી રહી છું. હસવાનું તો વર્ષોથી ભૂલી ગઈ છું. સતત ટેન્શનમાં અને ગુનાઈત ભાવના હેઠળ જીવું છું. મારા દીમાગ પર દિલનું શાસન ચાલે છે. લોકોની સાથે ખૂબ જ ઇમોશનલ થઈ જાઉં છું. આમ પણ હું અતિલાગણીશીલ,આવેશયુક્ત અને જીદ્દી સ્વભાવ ધરાવું છું. પણ હમણાં હમણાં તો વારંવાર ગુસ્સે થઈ જવાય છે. સંબંધોમાં મેં ઘણા વિશ્વાસ અનુભવ્યા છે. ઘરનાં અંગત સ્વજનો સિવાય આખી દુનિયા મને સ્વાર્થી અને પ્રોફેશનલ લાગે છે.
હાલમાં હું ફાર્મસીના છેલ્લા વર્ષની પરીક્ષાની બીજી ટ્રાયલ આપવાની છું પણ વાંચવામાં મારું મન લાગતું જ નથી. વાંચવા માટે સતત ફરજિયાત રૂમમાં પુરાઈ રહેવું પડતું હોવાથી જિંદગી જેલ જેવી લાગે છે. ભણતર અત્યારે ખૂબ જ બોજારૂપ અને ગળાના ગાળિયા જેવું લાગે છે. આમ પણ હું ખૂબ કમનસીબ છું. મેં જીવનમાં સતત માનસિક સંઘર્ષ અને તાણ જ અનુભવ્યા છે. છતાં પણ હજી સુધી સફળતા કે ખુશી નસીબ નથી થયા. મારા પૂર્વજન્મનાં કર્મો આડે આવે છે. જીવનમાં કંઈક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરવાની અને ટોચની સફળતા મેળવવાની મારી ઝંખના મનમાં જ રહી જશે એવું લાગે છે.
મારા અરમાનો ઉંચે આસમાનને આંબવાનાં હતાં પરંતુ મારું ભવિષ્ય ખરેખર કેવું હશે એ જાણવાની ઉત્કંઠા મને ખૂબ જ રહેતી. એ ઉત્કંઠા સંતોષવા હું એક જ્યોતિષિ પાસે ગઈ તેના જણાવ્યા મુજબ મને 'કાલસર્પ યોગ' અને 'વિષયોગ' છે. સાતમે રાહુ છે જેથી જીનનમાં કોઈ ક્ષેત્રમાં સફળતા ક્યારેય ન મળે. ત્રીસ-બત્રીસ વર્ષ સુધી લગ્ન માટે યોગ્ય પાત્ર ન મળે. પ્રેમમાં પણ સાવ નિષ્ફળતા મળે.
એક મહારાજે તો હાથ જોઈને સ્પષ્ટ કહ્યું હતું કે જીવનમાં સતત સ્ટ્રગલ રહેશે. ૨૪-૨૭ વર્ષની ઉંમરની આસપાસ ટેન્શન વધી જશે અને અર્ધપાગલ મગજ થઈ જશે. એસ.એસ.સી. સુધી ૯૦ ટકા લાવ્યા પછી બારમામાં મેડિકલમાં જવાની મારી મહેચ્છા અધુરી રહી ગઈ અને ત્યાર પછી પેલા જ્યોતિષીઓની બધી જ આગાહીઓ સાચી પડતી જ ગઈ છે. એટલે હવે એવુંલાગે છે કે કાલ સર્પ યોગ અને વિષ યોગ વાળી છોકરી હવે વાંચે પાસ થાય ડિગ્રી મેળવે એનો પણ શો અર્થ?
ફાર્મસીની ડીગ્રી મેળવતાં પહેલાં જ ત્રણ વર્ષ બગાડી ચૂકી છું. મારી સાથેના લોકોએ ડીગ્રી પણ મેળવી લીધી છે અને લગ્ન કરી સ્થાઈ પણ થઈ ચૂક્યા છે. જ્યારે હું કેરિયર પણ બનાવી શકી નથી કે લગ્ન માટે યોગ્ય પાત્ર પણ મેળવી શકી નથી.
કાલસર્પ યોગને કારણે મને પ્રેમમાં પણ નિષ્ફળતા મળી છે. જોકે મારા એ પ્રેમને કયા પ્રકારનો પ્રેમ કહેવો એ તમે જ નક્કી કરજો.
બારમા ધોરણમાં સારા માર્ક્સ લાવીને મેડિકલમાં જવાનો મને ક્રેઈઝ હતો. મારા મિત્ર વર્તુળમાં અને ઘરના લોકોને પણ હું માર્ક્સ લાવીશ જ એવી ખાતરી હતી. બારમાનાં અમારા ટયુશન્સ મે મહિનાથી શરૂ થઈ ગયા હતા ત્યારે અમે બે-ત્રણ બહેનપણીઓ અમારું ભવિષ્ય જાણવા એક જ્યોતિષ પાસે પહોંચી ગઈ ત્યારે 'કાલસર્પયોગ'ની ખબર પડી અને મને સમજાયું કે મને સફળતા મળવાના કોઈ જ ચાન્સ નથી. મારું કેરીયર પણ નહીં બને અને મને કોઈ યોગ્ય પાત્ર પણ નહીં મળે આ વિચારોને કારણે હું ખૂબ જ ઉદાસ રહેતી હતી.
અમારા એક ટયુશન ટીચર જેમની હું ફેવરીટ સ્ટુડન્ટ હતી તેઓ મારી ઉદાસી પારખી ગયા અને મને આશ્વાસન આપવાની હિંમત આપવાની તથા મારા પર વધારે ધ્યાન આપવાની ચેષ્ટા દાખવતા રહ્યા. બસ તેમનો આ પ્રેમ મારા માટે જીવન જીવવાનું બળ બની ગયો અને હું એમના પ્રેમમાં પડી ગઈ. મને સરનાં પત્ની આ દુનિયાનાં સૌથી નસીબદાર સ્ત્રી લાગવાં માંડયા. અને એ સૌભાગ્ય મને પણ પ્રાપ્ત થાય તો કેવું એવા સ્વપ્નો હું જોવા લાગી. મને એમના ફેમિલીની ખૂબ જ ઇર્ષ્યા થવા લાગી. મેં મારી લાગણી સર સમક્ષ ક્યારેય પ્રદર્શિત ન કરી. પરંતુ મને ખાતરી હતી કે પ્રેમ હંમેશાં બન્ને ય બાજુ એક સાથે અને એકસરખો પાંગરે છે. બસ સર સાથે સુખી દાંપત્ય જીવનના સ્વપ્નાઓ જોવા લાગી અને બારમાનું ટેન્શન છોડી આસમાનમાં ઉડવા લાગી.
મને કાલસર્પનો હાઉ બતાડનાર જ્યોતિષીઓ ખોટા લાગ્યા. એક દિવસ મેં સર સમક્ષ મારી લાગણી વ્યક્ત કરી અને એમની લાગણી જાણવાની કોશિષ કરી ત્યારે મને તીવ્ર આઘાત લાગ્યો. કારણ તેમણે તો ઠંડા કલેજે કહી દીધું કે તેમને આવો વિચાર સુદ્ધાં કર્યો પણ નથી અને કરે પણ નહીં. બસ તે દિવસથી હું ભાંગી પડી. પ્રથમ પ્રેમની નિષ્ફળતા હું જીરવી ન શકી. આજે આઠ વર્ષ થયા છે તો પણ મારો પ્રેમ સર પ્રત્યે અકબંધ છે. મારી કલ્પનામાં એમના સિવાય બીજો કોઈ જ પુરુષ આવ્યો નથી. મને આજ એવો પણ ડર લાગે છે કે બીજા કોઈ સાથે લગ્ન કરીને એડજસ્ટ થઈ શકીશ કે નહીં?
હાલમાં મારી ઉંમર વધી ગઈ છે. મારી સાથેના લોકો પરણી ગયા છે. તેથી મગજ ઉપર સતત એનું પ્રેશર રહે છે. પાડોશીઓ પણ મારું એંગેજમેન્ટ નથી થયું એ વાત મને વારંવાર યાદ અપાવ્યા કરે છે. આથી હું સતત લઘુતાનો અનુભવ કરું છું. આ એ જ લોકો છે જે થોડા વખત પહેલાં મારા વખાણ કરતાં થાકતાં નહતાં અને મારી ઇર્ષ્યા કરતાં હતાં. જ્યારે આજે તેઓ મારા પ્રખર ટીકાકાર બની ગયાં છે. નસીબનું ચક્ર ફરી ગયું અને હું ટોચ પરથી સીધી નીચે પછડાઈ. નસીબમાં અને જ્યોતિષમાં માનવાનું મન થાય એવો આ અનુભવ છે. આ નિષ્ફળતા અને ડિપ્રેશનના ચક્કરમાંથી બહાર આવવા પ્રયત્ન કરું છું. કાલસર્પ યોગના નિરાકરણ માટે મહામૃત્યુંજય જાપ કરું છું. હનુમાન ચાલીસા વાચું છું.
જીવનવિકાસ માટેનાં માનસ શાસ્ત્રના લેખો અને આધ્યાત્મિક લેખો વાંચતી રહું છું. કર્મની થિયરીમાં માનું છું. અને મારા જ કર્મનું ફળ હશે એવુ સમજી પાપનો સ્વીકાર કરું છું. શું મારી આ પીડાનો તમારા મનોચિકિત્સા વિજ્ઞાન પાસે ઇલાજ ખરો? જે લોકોના નસીબમાં જ નિષ્ફળતા અને નિરાશા લખી હોય તેમને દવાઓ કઈ રીતે મદદ કરી શકે ? 'કાલસર્પ યોગ'ની સત્યતાના સચોટ ઉદાહરણ જેવી મારી આ હકીકત તમારા માટે એક પડકાર હશે. શું ખેલદીલીપૂર્વક તમે આ વાત સ્વીકારીને મારા જેવી વ્યક્તિઓને મનોચિકિત્સા વિજ્ઞાન નહીં પણ જ્યોતિષ વિજ્ઞાનની જ દયા પર છોડવાનું પસંદ કરશો? શું મારા જીવનમાં સારા દિવસો આવશે?
શ્રદ્ધા એનો પત્ર અનેક પ્રશ્નાર્થચિન્હો સાથે પૂરી કરે છે. તાજેતરની લેખમાળામાં 'તમારા વિચારો બદલી તમે તમારું ભવિષ્ય બદલી શકો છો' એ વાત વારંવાર કરાઈ છે તેને પડકારતો પોતાનો કિસ્સો છે એવું સમજી શ્રદ્ધો આ પત્ર લખ્યો છે. શાંત પાણીમાં એક પથ્થર નાંખો અને વમળો થવા માંડે એવી શ્રદ્ધાના મનની દશા છે. બાળક જ્યારે જન્મે છે ત્યારે તેનું મગજ કોરી સ્લેટ જેવું હોય છે. ડર, ભય, લઘુતા, હતાશા, ચિંતા, વિવિધ ગ્રંથિ, ગમા-અણગમા તેના વડીલો અને આજુબાજુનું વાતાવરણ તેનામાં ભરે છે અને જોતજોતામાં આ એક વટવૃક્ષ થઈ જાય છે. શ્રદ્ધા બારમા ધોરણ સુધી સ્વસ્થ હતી પરંતુ બારમાના ટેન્શનમાં ભવિષ્ય જાણવાની તેની ઇચ્છાએ તેનું ભવિષ્ય જ બગાડી નાંખ્યું. 'કાલસર્પ યોગ'- 'મંગળ, 'વિષ યોગ' વગેરે અપરિણીત યુવક-યુવતીઓ પર લગાવાતાં એવા લેબલો છે જેને અનેક લોકોનાં ભવિષ્ય બરબાદ કર્યા છે.
એકવાર આવું લેબલ લાગી ગયું પછી આ સમાજ અને નબળા મનની વ્યક્તિ પોતે એને સાચું પૂરવાર કરવામાં જ લાગી જાય છે. તમે આજે જે વિચારો છો એ જ તમારી આવતીકાલ છે. શ્રદ્ધાએ ગઈ કાલે જે વિચારો કર્યા એ એની આજ બની ગઈ. જીવનમાં કોઈ ક્ષેત્રમાં સફળતા ન મળે અને મોટી ઉંમર સુધી લગ્ન ન થાય એવી જ્યોતિષીની વાત જ્યારથી શ્રદ્ધાએ સાચી માની ત્યારથી એના એ જ વિચારો એના મનમાં એણે ઘૂંટવાના શરૂ કર્યા. જે એના સુષુપ્ત મનમાં ઉતરતા જ ગયા, ઉતરતા જ ગયા. આ વિચારોનો શ્રદ્ધા આજે જેવી છે એવી બનાવવામાં પૂરેપૂરો ફાળો છે.
જો શ્રદ્ધા જ્યોતિષને મળી જ ન હોત અને આવા યોગો વિશે જાણ્યું જ ન હોત તો એનું ભવિષ્ય જુદું જ હોત. કારણ આવા લેબલો અને યોગો જો સાચાં હોય તો એ મુસ્લિમ, ઇસાઈ કે યહુદીઓને કેમ નડતા નથી ? શું એ બધા આવા કોઈ યોગ વગર જ જન્મ્યા હશે?... ના હકીકત એ છે કે એ લોકો એમાં માનતા નથી એટલે એવી કોઈ વાત એમને નડતી નથી. હકીકતમાં આવી કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી.
ભેંકાર ભવિષ્યની કલ્પનાથી ફફડી ઉઠેલી શ્રદ્ધાએ તેના ટયુશન ટીચરને કરેલો એક તરફી પ્રેમ માનસિક બીમારીનું પ્રથમ લક્ષણ છે. સર સાથેના ભ્રામક પ્રેમમાંથી તે હજી સુધી બહાર નથી આવી કારણ વાસ્તવિકતાથી પલાયન થવું એ તેનો સ્વભાવ બની ગયો છે.
શ્રદ્ધા જ્યોતિષ શાસ્ત્રને પડતું મૂકી, જાપ અને પાઠ કરવાનાં બંધ કરી પોતાનું ભાગ્ય જાતે લખવાનું નક્કી કરે તો આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે. કાલસર્પ યોગના નિવારણની વાતો પડતી મુકવી જરૂરી છે. કારણ આજ સુધી એ માટે કરેલા ઉપાયો કારગર થયા નથી. હકીકતમાં તે ડિપ્રેશનનો શિકાર છે. દવાઓ અને 'કોગ્નીટીવ બિહેવીયર થેરપી' તેને આ વિચારોના વિષચક્રમાંથી ચોક્કસ બહાર કાઢી શકે. શ્રદ્ધાના કિસ્સા પરથી જ્યોતિષ શાસ્ત્રમાં રહ્યો સહ્યો વિશ્વાસ પણ ઊડી જાય તેમ છે. આવી કોઈ ભ્રામક વાતોમાં ન પડી તમારો જીવન લેખ તમે જાતે જ લખો એ યુવાનોને મારી સલાગ છે.
ન્યુરોગ્રાફ :
તમારું ભવિષ્ય અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય જોજનો દૂર બેઠેલા ગ્રહો નક્કી નથી કરતા પરંતુ તમારા વિચારો અને વલણ નક્કી કરે છે.
- મૃગેશ વૈષ્ણવ