12 જૂને (ગુરૂવાર) અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 મુસાફરો સહિત અત્યાર સુધીમાં કુલ 278 લોકોના દુખદ નિધન થયા છે. ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન)ના રોજ 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવશે, પછી સાંજે 5 વાગ્યે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025 (સોમવાર) ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે. રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
રાજકોટમાં રૂપાણીના અંતિમ દર્શનની તૈયારીઓ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન ક્રેશમાં નિધન બાદ તેમની અંતિમવિધિ રાજકોટમાં કરાશે.આ સાથે રુપાણીના ઘરે રાજકોટમાં અંતિમ દર્શનની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
રૂપાણીના અંતિમ દર્શનનો કાર્યક્રમ
- બપોરે 2:30 કલાકે ગ્રીનલેન્ડ ચોકડીથી અંતિમ યાત્રાની થશે શરૂઆત
- પ્રકાશ સોસાયટી તેમના ઘર પાસે આવેલ મહાદેવ મંદિર ખાતે 1 કલાક દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે.
- અંતિમ દર્શન માટે સંપૂર્ણ તૈયારીઓ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવી છે. વિજય રૂપાણી કોઈ પણ નવા કાર્યની શરૂઆત પહેલા અહીં જ પૂજા કરતા હતા.
- આજે અંતિમ દર્શન તે જ મંદિર ખાતે રાખવામાં આવશે.જ્યાં તેમના પાર્થિવ દેહને રખાશે ત્યાં સફેદ ફૂલો થી પુષ્પાંજલિ સ્વરૂપે તૈયાર કરાયું છે.