
ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર રિંકુ સિંહને ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટું સન્માન આપ્યું છે. T20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર રિંકુ સિંહને હવે અલીગઢ જિલ્લા હેઠળ અમીન જિલ્લા બેઝિક એજ્યુકેશન ઓફિસર (BEO) ના પદ પર નિયુક્ત કરવામાં આવ્યો છે. સ્પોર્ટ્સની દુનિયામાં તેની સિદ્ધિઓને ધ્યાનમાં લઈને સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ તેની સીધી ભરતી કરવામાં આવી છે.
સંઘર્ષથી સફળતા સુધીની સફર
રિંકુ સિંહનો જન્મ 12 ઓક્ટોબર, 1997ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં થયો હતો. આર્થિક મુશ્કેલીઓ છતાં તેણે હાર ન માની અને ક્રિકેટને પોતાનું સ્વપ્ન બનાવ્યું અને પૂરા દિલથી મહેનત કરી. આજે તે માત્ર ટીમ ઈન્ડિયાનો ભાગ જ નથી, પરંતુ લાખો યુવાનો માટે પ્રેરણા પણ છે.
BEOની ભૂમિકામાં રિંકુ સિંહની જવાબદારી શું રહેશે?
રિંકુ સિંહને આપવામાં આવનારી સરકારી નોકરી અંગે બેઝિક એજ્યુકેશન ડિરેક્ટર દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રિંકુ સિંહ બેઝિક એજ્યુકેશન ઓફિસર (BEO) તરીકે શું કામ કરશે તે અંગે જણાવવામાં આવ્યું છે કે આ નોકરીમાં રિંકુ સિંહની જવાબદારી રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવાની અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે વધુ સારું વાતાવરણ બનાવવાની રહેશે.
રિંકુની ક્રિકેટ કારકિર્દી
રિંકુ સિંહની ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો, વર્ષ 2023માં તેનું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ થયું હતું. તેણે અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 2 ODI અને 33 T20I મેચ રમી છે. તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 600થી વધુ રન બનાવ્યા છે. રિંકુ સિંહ IPL પણ રમે છે, જેમાં તે KKRનો ભાગ છે.
માત્ર 9મા ધોરણ સુધી જ કર્યો છે અભ્યાસ
ક્રિકેટર રિંકુ સિંહ 8મું પાસ છે. 9મા ધોરણમાં નાપાસ થયા પછી તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. એવું પણ કહી શકાય કે નબળી આર્થિક સ્થિતિને કારણે રિંકુ સિંહે પોતાનો અભ્યાસ છોડી દીધો અને કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ, તેણે ક્રિકેટ રમવાનું બંધ ન કર્યું. તેનું સંપૂર્ણ ધ્યાન ક્રિકેટમાં કારકિર્દી બનાવવા પર આપ્યું હતું.
રિંકુ સિંહ પોતે કહે છે કે, "આર્થિક સ્થિતિ નબળી હોવાનાં કારણે એક સમયે મારી પાસે બોલ ખરીદવા માટે પણ પૈસા નહતા. મારા પિતા ગેસ સિલિન્ડર ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા." રિંકુ સિંહની 8 જૂનના રોજ સગાઈ થઈ હતી. તેની ભાવિ પત્ની પ્રિયા સરોજ વ્યવસાયે વકીલ છે અને હાલમાં મછલીશહર લોકસભા મતવિસ્તારથી સાંસદ છે. ત્યારે લગ્ન પહેલા જ તેણે યોગી સરકાર તરફથી મોટી ભેટ મળી છે.