જેક્લીન ફર્નાન્ડિઝ: વટાણા વેરવા કે નહીં?
સુકેશ ચંદ્રશેખર નામના મહાઠગ સાથેનો સંગાથ શ્રીલંકન સુંદરી જેક્લીનને બહુ નડ્યો છે. લોટરી કૌભાંડ અને ગિફ્ટ કૌભાંડથી લઈને જાતજાતના આડા ધંધા કરતો આ સુકેશ પાછો ફાંકા ફોજદારી કરવામાં ઉસ્તાદ છે. એક OTT પ્લેટફોર્મ તેના ઘટનાપ્રચુર જીવન પર ડોક્યુ-સિરીઝ બનાવવા માંગે છે. આ OTTવાળાઓ જેક્લીનને મળ્યા. એને પૂછવામાં આવ્યું કે સુકેશની (એક્સ) ગર્લફ્રેન્ડ હોવાના નાતે તારે જે કહેવાનું છે તે શું તું અમારી ડોક્યુ-સિરીઝ માટે કેમેરા સામે બોલીશ? તારું જે કંઈ વર્ઝન હોય તે આ સિરીઝમાં પેશ કરીશ? હાલના તબક્કે જેક્લીને OTTવાળાઓને હા પણ નથી કહી અને ના પણ નથી કહી. એ પોતાના વકીલો સાથે ચર્ચા કરતી હોવી જોઈએ કે કેમેરા સામે વટાણા વેરવા કે નહીં? ને જો વટાણા વેરવા જ હોય તો કેટલા વેરવા? હું ક્યાંક લીગલ ચક્કરમાં તો નહીં ફસાઈ જઉં ને? મારું કશુંય બોલવાથી સુકેશ પર એની શી અસર થઈ શકે? વગેરે. અમને તો લાગે છે કે જેક્લીનનું કરિયર જે રીતે આગળ વધી રહ્યું છે - કે પછી ઊભું રહી ગયું છે - તે જોતા એણે જે કામ મળે તે સ્વીકારી લેવું જોઈએ. તમે શું કહો છો?

