
શહેરના સુભાષબ્રીજ આવેલી કલેક્ટર કચેરી સ્થિત સબ રજીસ્ટ્રાર કચેરીમાં જમીનના કેસમાં મોટાપ્રમાણમાં ભ્રષ્ટ્રાચાર કરવામાં આવતો હોવાની ફરિયાદ અનેકવાર કરવામાં આવી છે. તેમ છતાંય, અધિકારીઓની મિલીભગતને કારણે મોટાભાગના કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા બુધવારે રૂપિયા ૭૫ હજારની લાંચનો કેસ નોંધીને બે વકીલ સહિત 6 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. ફરિયાદી પાસેથી પેઢીનામામાં નામ ચઢાવવા માટે લાંચની માંગણી કરવામાં આવી હતી.જેમાં લાંચની રકમ પૈકીનો હિસ્સો કરાર આધારિત કર્મચારીઓ વચ્ચે નક્કી થયા મુજબ વહેચણી કરાયો હતો. આ અંગે એસીબીએ ચાર આરોપીઓના એક દિવસના રિમાન્ડ મેળવીને વધુ પુછપરછ શરૂ કરી છે.
સબ રજીસ્ટ્રાર કચેરીમાં ACBના દરોડા
અમદાવાદમાં રહેતા એક અપરણિત વ્યક્તિનું મરણ થતા તેમની મિલકતમાં સીધી લીટીમાં કોઇ વારસદાર ન હોવાથી તેમના ભાઇ-બહેનના નામ હક્કદાર તરીકે દાખલ થયા હતા. જે અનુસંધાનમાં મૃતકના એક ભાઇએ તેમની તરફેણમાં હક્ક રીલીઝ કરવા માટેના દસ્તાવેજ તૈયાર થાય તે માટે રાજેશ પ્રજાપતિ નામના વકીલનો સપંર્ક કર્યો હતો. રાજેશ પ્રજાપતિએ આ કામગીરી માટે નિયત ફી ઉપરાંત, ૧૫ હજાર રૂપિયાની પોતાની અંગત ફી માંગી હતી. જે ગુગલ પેથી ચુકવવામાં આવી હતી. ત્યારબાદ નિયમ મુજબની સરકારી ફીની પણ ચુકવણી કરી હતી.
બે વકિલ સહિત 6ની ધરપકડ
પરંતુ, ત્યારબાદ પણ દસ્તાવેજની કાર્યવાહી આગળ ન થતા મૃતકના ભાઇએ તપાસ કરતા વકીલ રાજેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પેઢીનામામાં કેટલાંક મુદ્દે વાંધા કાઢવામાં આવ્યા છે. જો દસ્તાવેજની કાર્યવાહી વાંધા વિના પૂર્ણ કરવાની હોય તો કલેક્ટર કચેરીમાં સાબરમતી-૧૩ના સબ રજીસ્ટ્રારને ૭૫ હજાર રૂપિયાની લાંચ આપવી પડશે. જે અંગે ફરિયાદીએ એસીબીને જાણ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં વકીલ રાજેશ પ્રજાપતિના કહેવાથી કુશ મહેતા અને ભારતીબેન પરમાર નામના વકીલે નાણાં લીધા હતા. જેમાં ભારતી પરમારે ૩૩,૫૦૦ રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા, અને કરાર આધારિત નોકરી કરતા કોમ્પ્યુટર ઓપરેટર દલપતસિંહ ઠાકોરને ૪૦,૫૦૦ આપ્યા હતા, કરાર આધારિત સ્કેનીંગ ઓપરેટર તરીકે કામ કરતા ખ્યાતિ જોષીને રૂપિયા ૫૦૦ આપ્યા હતા અને કરાર આધારિત નોકરી કરતા ઓપરેટર બલદેવ પરમારને પણ ૫૦૦ આપવામાં આવ્યા હતા. આ દરમિયાન એસીબીના અધિકારીઓએ દરોડો પાડીને તમામ પાસેથી નાણાં રીકવર કર્યા હતા. આ દરમિયાન બલદેવ પરમાર ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જ્યારે એસીબીએ રાજેશ પરમાર, કુશ પરમાર, વકીલ ભારતી પરમાર, દલપતસિંહ અને ખ્યાતિ જોષીની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે.