
આંધ્રપ્રદેશના અન્નમય જિલ્લામાં રવિવારે રાત્રે એક દુ:ખદ ઘટના સામે આવી છે. કેરીઓથી ભરેલ ટ્રક પલટતા 9 મજૂરોના મોત થયા છે અને 10 જણા ઘાયલ થયા છે. મૃતકોમાં 5 મહિલાઓનો સમાવેશ થાય છે. ઘાયલોને રાજમપેટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કડપ્પા શહેરથી લગભગ 60 કિમી દૂર પુલમપેટા મંડલમાં રેડ્ડી ચેરુવુ કટ્ટામાં આ અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કેરીઓના ઢગલા ઉપર બેઠેલા મજૂરો ટ્રક પલટાતા નીચે પડી દટાયા હતા..
30થી 40 ટન કેરી નીચે મજૂરો દટાઈ ગયા હતા
રિપોર્ટ મુજબ ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે સામેથી આવતી કાર સાથેની ટક્કર ટાળવાના પ્રયાસમાં સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. તિરુપતિ જિલ્લાના રેલ્વે કોડુરુ અને વેંકટગિરિ મંડળના 21 દૈનિક મજૂરો એશુકાપલ્લી અને આસપાસના ગામોમાં કેરીઓ તોડવા ગયા હતા. કેરીઓ લઈને રેલ્વે કોડુરુ બજારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન અકસ્માતમાં 30થી 40 ટન કેરી નીચે મજૂરો દટાઈ ગયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને JCBની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી.
8 કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા
ટ્રક અને કેરીના ઢગલા નીચે દટાઈ જવાથી 8 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમની ઓળખ ગજલા દુર્ગૈયા, ગજલા લક્ષ્મી દેવી, ગજલા રમણા, ગજલા શ્રીનુ, રાધા, વેંકટ સુબ્બમ્મા, ચિત્તેમ્મા અને સુબ્બા રત્નમ્મા તરીકે થઈ હતી. મુનિચંદ્રનું મોત રાજમપેટની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઘાયલોને વધુ સારી સારવાર માટે કડપ્પાના RIMS માં ખસેડવામાં આવ્યા છે. પરિવહન મંત્રી મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડી અને જિલ્લા પ્રભારી મંત્રી બીસી જનાર્દન રેડ્ડીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પીડિત પરિવારોને શક્ય તેટલી મદદ કરવાની ખાતરી આપી છે. પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ શોક વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ઘાયલોને સારી સારવાર અને મૃતકોના પરિવારોને સહાયની માંગ કરી છે.