
ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર દ્વારા જીકાસ પોર્ટલમાં જોડાયેલી રાજ્યની તમામ 15 સરકારી યુનિ.ઓના કુલપતિને પરિપત્ર કરીને જણાવ્યું છે કે જીકાસ સેલમાં વિદ્યાર્થીઓ-વાલીઓ દ્વારા ફોન કરીને રજૂઆત કરવામાં આવી છે કે કેટલીક કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને એમ કહીને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે તેઓએ હાલ કંઈજ કરવાની જરૂર નથી. જ્યારે ઓફલાઈન પ્રવેશ શરૂ થશે, ત્યારે કોલેજ દ્વારા તેઓને સંપર્ક કરીને પ્રવેશ કન્ફર્મ કરવામાં આવશે.
રાજ્યની તમામ 15 સરકારી યુનિ.ઓના કુલપતિને પરિપત્ર કરીને જણાવ્યું
આ વર્ષે સરકાર દ્વારા પ્રવેશની સંપૂર્ણ પ્રક્રિયા માત્ર જીકાસ પોર્ટલ દ્વારા કરવામાં આવી રહી છે. જેથી યુનિવર્સિટી સંલગ્ન યુજી અને પીજી તેમજ બી.એડ. તથી એલએલબી કે અન્ય કોર્સ ચલાવાતી કોઈપણ કોલેજ દ્વારા આ પ્રકારે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતી પ્રવૃતિ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવે અને સુનિશ્ચિત કરવામાં આવે.
વર્ષ 2025-26માં સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા માત્ર જીકાસ પોર્ટલ મારફત જ થશે
યુનિ.ઓની કુલપતિને સરકારે આદેશ કરતા જણાવ્યું છે કે યુનિ સંલગ્ન તમામ કોલેજો અને ફેકલ્ટીઓને સૂચના આપવામાં આવે કે વર્ષ 2025-26માં સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા માત્ર જીકાસ પોર્ટલ મારફત જ થશે. કોઈપણ સંજોગોમાં પ્રવેશ પ્રક્રિયા ઓફલાઈન નહીં થાય, જો કે બીજી બાજુ ઘણા વિદ્યાર્થીઓ-વાલીઓ પણ સારી ટોપ કોલેજોમાં પ્રવેશ મળશે તેવી રાહ જોઈને બેઠા છે. આ વર્ષે સરકાર દ્વારા ઓનલાઈન ઉપરાંત વિદ્યાર્થીઓને આ વર્ષે એકથી વધુ કોલેજ-કોર્સમાં પ્રવેશની ઓફર તેઓના મેરિટ મુજબ આપવામાં આવી રહી છે.