
ઉત્તરાખંડ રાજ્યમાં ગંગાના કિનારે આવેલું ઋષિકેશ સુંદરતાની દૃષ્ટિએ સૌથી મોટા હિલ સ્ટેશનોને પણ ટક્કર આપે છે. લોકો અહીં શાંતિપૂર્ણ ક્ષણો વિતાવવા માટે આવે છે. લોકો અહીં ગંગાના કિનારે કલાકો સુધી બેસે છે અને સાંજે આરતીમાં ભાગ લે છે. અહીં લક્ષ્મણ ઝુલા, રામ ઝુલા, બીટલ્સ આશ્રમ જેવી ઘણી સારી જગ્યાઓ છે. પરંતુ ઋષિકેશની મુલાકાત લેવા આવનાર દરેક વ્યક્તિ ફક્ત શાંતિની શોધમાં જ નથી આવતા. દર વર્ષે હજારો લોકો અહીં એડવેન્ચર એક્ટિવિટી માટે પણ આવે છે.
ઋષિકેશ એડવેન્ચર પ્રેમીઓ માટે સૌથી ખાસ છે. કારણ કે, ઘણા લોકો અહીં રાફ્ટિંગનો આનંદ માણવા પહોંચે છે. ઋષિકેશને દેશનું શ્રેષ્ઠ રાફ્ટિંગ સ્થળ ગણવામાં આવે છે. પરંતુ, અહીં માત્ર રાફ્ટિંગ જ નહીં, તમે વિવિધ એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકો છો આજના લેખમાં, અમે તમને વિગતવાર જણાવીશું કે રાફ્ટિંગ સિવાય ઋષિકેશમાં તમે બીજું શું કરી શકો છો.
ઋષિકેશમાં બંજી જમ્પિંગ
ઋષિકેશમાં, તમે રિવર રાફ્ટિંગ સિવાય બંજી જમ્પિંગનો આનંદ પણ માણી શકો છો. આ નાનું સુંદર શહેર બંજી જમ્પિંગ માટે પણ જાણીતું છે. તમને ઘણી જગ્યાએ બંજી જમ્પિંગ સુવિધાઓ પૂરી પાડતા ખાનગી ટૂર પ્લાનર્સ મળશે. ઘણા પ્લાનર્સ એવા પણ છે જે કેમ્પિંગ અને રિવર રાફ્ટિંગની સાથે બંજી જમ્પિંગની પણ વ્યવસ્થા કરી આપે છે. તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે બંજી જમ્પિંગ માટે ટિકિટ બુક કરી શકો છો.
ઋષિકેશમાં કાયકિંગ
ઋષિકેશમાં રિવર રાફ્ટિંગની સાથે, તમે કાયકિંગ પણ કરી શકો છો. ઘણા લોકો માને છે કે રિવર રાફ્ટિંગ અને કાયકિંગ એક જ છે, પરંતુ એવું નથી. કારણ કે, કાયકિંગમાં એક નાની હોડી હોય છે, જેને તમારે પાણીમાં એકલા સંભાળવી પડે છે. પરંતુ રિવર રાફ્ટિંગમાં, 8થી 10 લોકો તમારી સાથે હોઈ શકે છે. આમાં, તમારે બધાએ સાથે મળીને બોટ પર સંતુલન રાખવું પડે છે.
ઋષિકેશમાં ફ્લાઈંગ ફોક્સ
ફ્લાઈગ ફોક્સ એ એક એવી એક્ટિવિટી છે જેમાં તમને દોરડા પર લટકાવીને એક ટેકરીથી બીજી ટેકરી પર લઈ જવામાં આવે છે. આમાં, દોરડું તમારી પીઠ સાથે બાંધેલું હોય છે અને તમારો ચહેરો નીચે તરફ હોય છે, જેથી તમે ઊંચાઈથી નીચેનો નજારો જોઈ શકો. નબળા હૃદયવાળા લોકો માટે તે ખતરનાક બની શકે છે. તેથી, દરેક જણ તે નથી કરી શકતા.