
Ahmedabad News: અમદાવાદમાં નબીરા બેફામ બન્યા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે શહેરમાંથી હીટ એન્ડ રનના બનાવો સામે આવે છે. ત્યારે ગત 14 મેની રાત્રે પેલેડિયમ મોલ પાસે આવેલા ઓવરબ્રિજ પર હીટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં મર્સીડિઝ કાર ચાલક યુવક ફૂલ સ્પીડમાં આવીને અન્ય વાહન ચાલકને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાના 8 દિવસે આરોપીને ઝડપી પાડ્યો છે, ત્યારે જાણવા મળ્યું હતું કે મર્સીડિઝ કાર ચાલક બીજું કોઈ નહીં પણ પોલીસકર્મીનો પુત્ર હતો. જ્યારે પોલીસ તપાસની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે આરોપી યુવકની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસકર્મીના દીકરાની 8 દિવસે ધરપકડ
અમદાવાદના પેલેડિયમ મોલ પાસે આવેલા ઓવરબ્રિજ પર 14 મેની રાત્રે વિજય વાઘજીભાઈ રબારી નામનો યુવક ફૂલ સ્પીડે મર્સીડિઝ કાર ચલાવીને વેજલપુરના રાહુલ ભાટિયા નામના યુવકના વાહનના ટક્કર મારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં વેજલપુરના યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ છે.
સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, મર્સીડિઝ ચાલક યુવક બીજું કોઈ નહીં પરંતુ અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો દીકરો હતો. જ્યારે હીટ એન્ડ રનના બનાવને પોલીસે ટેક્નિકલ સપોર્ટના આધારે આઠ દિવસ બાદ આરોપી યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માત અંગે એસજી વન ટ્રાફિક પોલીસે બે અલગ અલગ ગુનાઓ નોંધ્યા
આરોપી વિજય રબારી હિટાચી મશીનનો વ્યવસાય કરે છે અને તે ધોળકાનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આરોપી વિજયના પિતા અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. આરોપી વિજય સ્વાદ ફાસ્ટફૂડમાં નાસ્તા માટે જતો હતો તે દરમ્યાન હેબતપુર બ્રિજ ઉપર ટૂ વ્હીલરને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.
જ્યાં ઘટના જોવા ઉભેલા યુવકોને અન્ય મોપેડે ટક્કર મારતા ત્રણથી ચાર લોકોને ઈજા થઈ હતી. બાદમાં આજે એકાએક આરોપી વિજય રબારી પોલીસ સમક્ષ હાજર થયો હતો. જેને પગલે એસજી 1 ટ્રાફિક પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.