
અમદાવાદ શહેરની સ્પેશિયલ એસીબી કોર્ટે આજથી 16 વર્ષ જૂના એટલે કે, વર્ષ-2009ના લાંચ કેસમાં લાંચિયા પોલીસકર્મી રાવજી ડાભી નામના પીએસઆઈ સામે ગુનો નોંધાયો હતો તેને ત્રણ વર્ષની કેદની સજા અને 75 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાવજી ડાભી નામનો પીએસઆઈ કાલુપુર પોલીસ મથકના પાંચકૂવા પોલીસ ચોકીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા.
વર્ષ-2009માં અમદાવાદ શહેરના કાલુપુર પોલીસ મથકના પાંચકૂવા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ રાવજી ડાભીએ ફરિયાદી પાસેથી કેસ રફેદફે કરવા માટે રૂપિયા 15 હજારની લાંચ માગી હતી. જેથી તેઓની સામે ગુનો નોંધાયો હતો. આજે અમદાવાદની સ્પેશિયલ એસીબી કોર્ટે અવલોકન કરતા કહ્યું કે, આરોપી સામે નિઃશંકપણે ગુનો પુરવાર થાય છે. જેમાં આરોપીએ રાજ્ય સેવક તરીકે સત્તાનો દૂરઉપયોગ કરી ભ્રષ્ટાચાર કર્યો છે. અમુક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને લીધે લોકોને પોલીસ ખાતા પરથી વિશ્વાસ ઓછો થતો જાય છે, એવું કોર્ટે અવલોકન ટાંકીને આરોપી લાંચિયા પીએસઆઈ રાવજી ડાભીને ત્રણ વર્ષની સજા અને 75 હજાનો દંડ ફટકાર્યો હતો.