Home / Gujarat / Ahmedabad : Who are the 11 dead in the Ahmedabad plane crash?

અમદાવાદ વિમાન દુર્ઘટનાનો મૃતકઆંક 270: વિમાનના પ્રવાસી સિવાયના 11 મૃતકો કોણ? બે વ્યક્તિ જ લાપતાની ફરિયાદ!

અમદાવાદ વિમાન દુર્ઘટનાનો મૃતકઆંક 270: વિમાનના પ્રવાસી સિવાયના 11 મૃતકો કોણ? બે વ્યક્તિ જ લાપતાની ફરિયાદ!

અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ કેમ્પસમાં વિમાન દુર્ઘટનામાં 11 મૃતકો કોણ? તેવો સૌથી મોટો સવાલ તંત્ર સામે આવીને ઉભો છે. સત્તાવાર રીતે કૂલ મૃત્યુઆંક 278 નહીં પણ 270 હોવાનું જાહેર થયું છે. આ પૈકીના કૂલ 259 લોકોની ઓળખ થઇ ચૂકી છે પરંતુ જેમની ઓળખ થઇ શકી નથી તેવલા 11 લોકો બી.જે.મેડિકલ કોલેજ કેમ્પસમાં આવેલા બહારના લોકો હોવાની મજબૂત આશંકા છે. પોલીસે જો કોઇને સ્વજનો લાપતા હોય તો જાણ કરવા અપીલ કરી છે. જોકે, હાલ સુધીમાં બે લોકો લાપતા હોવાની અરજી જ પોલીસને મળી છે. બીજી તરફ, તંત્રએ 11 મૃતકોની ઓળખ મેળવવા માટે સ્થાનિકોની પણ મદદ મેળવવા કાર્યવાહી આરંભી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત

અમદાવાદ એરપોર્ટથી લંડન જવા માટે ઉડાન ભરી તેની એક જ મિનિટમાં એરઇન્ડિયાની ફ્લાઇટ તૂટી પડતાં 270 લોકોના મૃત્યુ નિપજ્યાં હોવાનું સત્તાવાર રીતે જાહેર થયું છે. 12 જૂનના રોજ સર્જાયેલી દુર્ઘટનામાં કૂલ 229 મુસાફર અને 12 ક્રૂ મેમ્બર મળી વિમાનમાં 241 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત બી.જે.મેડિકલ કેમ્પસના બિલ્ડીંગ કે મેદાનમાં મૃત્યુ નિપજ્યાં છે. બી.જે.મેડિકલની મેસ અને હોસ્ટેલ બિલ્ડીંગમાં પાંચ લોકોના મોત થયા હતા. બાકીના 24 લોકોના બી.જે.કેમ્પસના મેદાનમાં મોત થયા હતા જેમાંથી ઇજા થવાથી મૃત્યુ પામેલા આઠ અને દાઝી જવાથી મૃત્યુ પામેલા પાંચ લોકોના મૃતદેહો તેમના સ્વજનોને સોંપી દેવાયા છે. કમનસીબી એ છે કે, દુર્ઘટનાના પાંચ દિવસ પછી પણ 11 મૃતકો કોણ છે? તે જાણી શકાયું નથી. બી.જે.મેડિકલ હોસ્ટેલ-મેસ કેમ્પસમાં આ 11 લોકો બહારથી કોઇને કોઇ કામસર આવ્યાં હશે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. આ સંજોગોમાં 11 અજાણ્યા મૃતકોની ભાળ મેળવવાની કામગીરી અમદાવાદ પોલીસે આરંભી છે. બે લોકો લાપતા હોવાની અરજી મેઘાણીનગર પોલીસને મળતાં આ બે વ્યક્તિ 11 પૈકીની છે કે કેમ? તેની DNA આધારિત તપાસ કરવા ચક્રો ગતિમાન કરાયાં છે.

ઝોન-4 DCP ડૉ. કાનન દેસાઇએ જણાવ્યું કે, અમુક મૃતકોની કોઇ ઓળખ મળી ન હોવાથી જો કોઇ લાપતા હોય તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બે લોકો લાપતા હોવાની અરજી પોલીસને મળી છે. શક્ય છે કે આ કેમ્પસમાં અમદાવાદ શહેરના દૂરના વિસ્તારમાંથી કે અમદાવાદ કે રાજ્ય બહારના વ્યક્તિઓ આવ્યાં હોય અને દુર્ઘટનાનો ભોગ બન્યાં હોય. આથી, દુર્ઘટનાના દિવસે એટલે કે 12 જૂનના રોજ કોઇ વ્યક્તિ લાપતા બની હોય તેની નોંધ ક્યાય પણ થઇ હોય તે દિશામાં તપાસ કરવામાં આવશે. તારીખ 12 જૂનના રોજ દુર્ઘટના બની હોય તે અરસામાં પોતાના લાપતા સ્વજન અમદાવાદના મેઘાણીનગર બી.જે.મેડિકલ કેમ્પસ આવ્યાની જાણકારી મળે તો સ્થાનિક પોલીસને પણ જાણ કરી શકાય છે. બીજી તરફ, ભાળ નથી મળી તેવા 11 લોકો સ્થાનિક હોય તેવી સંભાવનાને ધ્યાને લઇને સ્થાનિકોની મદદ લેવામાં આવી છે.મજૂરી કરનારાં કે પડ્યા, પાથર્યા રહેતાં ગરીબો કે કોઇ રાહદારી કે જે બપોરના સમયે આરામ કરવા આવ્યાં હોય તે ભોગ બન્યાની સંભાવનાઓએ સ્થાનિક ધારાસભ્ય, આગેવાનો અને કાર્યકરોને લાપતા વ્યક્તિ અંગે જાણકારી મળે તો પ્રાથમિક વિગતો તપાસી પોલીસને જાણ કરવા અપીલ કરાઇ નથી.

બી.જે.કેમ્પસમાં 29 મોત, 11 લોકોની ઓળખ નથી

241 વિમાન મુસાફર મોત
1 વિમાન યાત્રીનો બચાવ
5 હોસ્ટેલ-મેસમાં મૃત્યુ
8 બી.જે.કેમ્પસમાં ઇજાથી મૃત્યુ. DNA વગર મૃતદેહો અપાયાં
5 બી.જે.કેમ્પસમાં દાઝી જવાથી મૃત્યુ, DNA કરી મૃતદેહો સોપાયા
11 મૃતકોની ઓળખ બાકી
270 કૂલ મૃત્યુ આંક

 

Related News

Icon