
અમદાવાદમાં વેજલપુરની મહિલા સાથે કેનેડાના વર્ક વિઝા અપાવવાના નામે લાખો રૂપિયાની ઠગાઇની ફરિયાદ નોંધાઇ છે.કેનેડાના વિઝા અપાવવાના બહાને મહિલા પાસેથી 20 લાખ રૂપિયા પડાવી લીધા બાદ વિઝા ના આપતા ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કેનેડાના વર્કપરમિટ અપાવવાના બહાને લાખોની ઠગાઇ
બનાવની વિગતો જોઇએ તો, જાન્યુઆરી 2024માં મહિલા અને તેના પતિએ સોશિયલ મીડિયા ઉપર કેનેડાના વિઝાનું કામ કરતા હોય તેવી એક જાહેરાત વાંચી હતી. આ જાહેરાતના સરનામા પર મહિલા અને તેના પતિએ મુલાકાત કરી હતી.આ દરમિયાન કેનેડાના વર્ક પરમિટ વિઝાની વાત કરી હતી જેમાં પ્રોસેસિંગ ચાર્જ 75000 જણાવ્યો હતો જેથી મહિલાના પતિએ જી-પે દ્વારા ફાઇલ ચાર્જ તેમને ટ્રાન્સફર કર્યો હતો.
થોડા સમય પછી દસ્તાવેજનું લિસ્ટ તથા પેમેન્ટ કન્ડીશન મોકલી આપ્યા હતા જેમાં ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ વિઝાની 9 લાખ 51 હજાર બતાવેલ જેથી તેમના કહ્યા મુજબના દસ્તાવેજ પુરાવા વોટ્સએપ દ્વારા મોકલી આપ્યા હતા અને 10 લાખ રોકડા ઓફિસ ખાતે આલોક રામપાલના પત્નીને આપ્યા હતા જે પૈસાની કાચી પહોંચ પણ આપી હતી અને કહ્યું કે નવ મહિનામાં વિઝાની મંજૂરી આવી જશે. એકાદ મહિના પછી મહિલાના પતિ પ્રોસેસની માહિતી લેવા તેમની ઓફિસ ખાતે ગયા હતા અને તેમને જણાવેલ કે કામ પુરૂ થવા આવેલ છે એકાદ માસમાં બીજુ સ્ટેમ્પ પણ આવી જશે. છ મહિના જેટલો સમય વિતી ગયેલો બાદમાં વિઝાની પ્રોસેસ પુરી થવા આવેલ છે અને બીજો સ્ટેમ્પ એલ.એમ.આઇએની કાર્યવાહી કરવાની રહેશે જેના 10 લાખ આપવાના રહેશે તેવી વાત કરી હતી. તે બાદ અવાર નવાર બહાના બતાવી આલોક રામપાલે ઇમેલ દ્વારા જણાવ્યું હતું કે વિઝા કેન્સલ થયા છે જેથી વિઝા પ્રોસેસ ફી કાપી અન્ય પૈસા 10 દિવસમાં પરત કરશે તેવો વાયદો કર્યો હતો.
બાદમાં અવાર નવાર પૈસાની માંગણી માટે ફોન કરતા તેઓ ગલ્લા તલ્લા કરી સમય પસાર કરતા હતા.આ મામલે મહિલાએ કેનેડાના વર્ક વિઝાના નામે છેતરપિંડીની સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદના આધારે ત્રણ લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.