
અમદાવાદમાં છારાનગર ઝૂંપડપટ્ટીને લઈને સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. અમદાવાદના સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર છારાનગરના પુનર્વિકાસને મંજૂરી મળી છે. છારાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારના પુનર્વિકાસ માટે સુપ્રીમ કોર્ટની લીલીઝંડી મળી છે. અરજી કરનારની માગ હતી કે માળખામાં વધુ ચોરસ ફૂટ જમીન મળવી જોઈએ. તો કોર્પોરેશન દ્વારા ઝૂંપડપટ્ટી તરીકે ઘોષિત કરતી વખતે યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવી ન હોતી. તેને લઈને અરજીકર્તાઓએ વધુ મકાનોની પણ માંગ કરી હતી.
આ અગાઉ સુપ્રીમ કોર્ટે કામચલાઉ મનાઈહુકમ આપ્યો હતો. આજે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુપ્રિમ કોર્ટમાં હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર વતી મુખ્ય સરકારી વકીલ જી. એચ. વર્કે દલીલ કરી હતી કે, પુનર્વિકાસનું કાર્ય પહેલેથી જ નોંધપાત્ર રીતે આગળ વધ્યું છે અને 740 લાભાર્થીઓએ પુનર્વિકાસ માટે સંમતિ આપી છે. તેઓએ દલીલ કરી હતી કે, મનાઈહુકમથી આખો પ્રોજેક્ટ અટકી રહ્યો છે. સુપ્રિમ કોર્ટે ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ સામેનો પડકાર ફગાવી દીધો છે અને અમદાવાદના એક સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તારના સુધારણા માટે માર્ગ મોકળો કર્યો છે.