Home / Gujarat / Ahmedabad : Both engines of the plane that crashed in Ahmedabad were new: Air India official

અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનના બંને એન્જિન નવા જ હતા, કોઈ ખામી નહોતીઃ એર ઈન્ડિયાના અધિકારી

અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનના બંને એન્જિન નવા જ હતા, કોઈ ખામી નહોતીઃ એર ઈન્ડિયાના અધિકારી

અમદાવાદમાં ગુરુવાર એર ઈન્ડિયાનું બે એન્જિનનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન એરપોર્ટ પરથી ટેકઓફ થતા સેકંડોમાં તૂટી પડયું હતું. આ વિમાનના બંને એન્જિનમાં કોઈ ખામી નહોતી. વિમાનના મેઈન્ટેનન્સની વ્યાપક તપાસ જૂન 2023માં કરાઈ હતી તેમ એર ઈન્ડિયાના અધિકારીઓએ કહ્યું હતું. આ સાથે કંપનીએ શનિવારે કહ્યું કે, ડીજીસીએના નિર્દેશો મુજબ બોઈંગ 787 ડ્રીમલાઈનરના નવ વિમાનોની સુરક્ષા તપાસ થઈ ગઈ છે અને બાકીના 24 વિમાનોની સુરક્ષા તપાસ ચાલી રહી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 તપાસ આ વર્ષે ડિસેમ્બરમાં થવાની હતી

અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-171 એરપોર્ટ નજીક તૂટી પડતાં 270 લોકોનાં મોત નીપજ્યાં છે. વિમાનમાં બે એન્જિન હોવા છતાં અકસ્માત સર્જાતા તેને અબજો કલાકોમાંની એક ઘટના તરીકે વર્ણવવામાં આવી રહી છે, જેને પગલે વિમાનના એન્જિનમાં ટેકનિકલ ખામી હોવાની શંકા ઊભી થઈ હતી. જોકે, એર ઈન્ડિયાના અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, અમદાવાદમાં જે વિમાન તૂટી પડયું તેના મેઈન્ટેનન્સ અંગે જૂન ૨૦૨૩માં સી-ચેક અથવા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી અને આવી જ તપાસ આ વર્ષે ડિસેમ્બરમાં થવાની હતી.

જમણા એન્જિનનું મોટાપાયે રિપેરિંગ કરવામાં આવ્યું હતું

અધિકારીઓએ જણાવ્યું કે, આ તપાસ એઆઈ એન્જિનિયરિંગ સર્વિસીસ લિ. દ્વારા કરવામાં આવી હતી. 12 વર્ષ જૂના આ વિમાનના જમણા એન્જિનનું મોટાપાયે રિપેરિંગ કરવામાં આવ્યું હતું અને માર્ચ ૨૦૨૫માં જ તેને ફરી વિમાનમાં ઈન્સ્ટોલ કરાયું હતું જ્યારે ડાબા એન્જિનની તપાસ એન્જિન ઉત્પાદક કંપનીના પ્રોટોકોલ મુજબ એપ્રિલ ૨૦૨૫માં કરાઈ હતી. વિમાનમાં જીઈ એરોસ્પેસ દ્વારા ઉત્પાદિત જીઈએનએક્સ એન્જિન લગાવાયા હતા. 

અધિકારીઓએ એવો પણ દાવો કર્યો હતો કે વિમાન અથવા એન્જિનમાં કોઈ ખામી નહોતી. 

જોકે, એર ઈન્ડિયા દ્વારા આ અંગે સત્તાવાર રીતે કોઈ નિવેદન અપાયું નથી. જીઈ એરોસ્પેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેઓ ઉડ્ડયન નિયામક ડીજીસીએએ લીધેલા પગલાંનું સમર્થન કરે છે. કંપની આ અસ્માતનું કારણ જાણવા માટે જરૂરી તમામ ટેકનિકલ સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.ઉડ્ડયન ક્ષેત્રની નિયામક ડીજીસીએએ શુક્રવારે એર ઈન્ડિયાના બોઈંગ 787-8 અને 9 વિમાનોની સુરક્ષા તપાસનો આદેશ આપ્યો હતો. કંપનીએ શનિવારે જણાવ્યું કે, ડીજીસીએના આદેશ મુજબ બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર્સના નવ વિમાનોની સુરક્ષા તપાસ કરી લેવાઈ છે અને 24વિમાનોની સુરક્ષા તપાસ ચાલુ છે. એર ઈન્ડિયા પાસે બોઈંગ 787-8 અને 9ના કુલ 33 વિમાનો છે. કેટલાક વિમાનોની સુરક્ષા તપાસના કારણે લાંબા અંતરની કેટલીક ફ્લાઈટ્સ વિલંબમાં મુકાઈ હતી.

Related News

Icon