
અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા હતાં. પ્લેનક્રેશમાં જીવ ગુમાવનારાના સ્વજનો માટે ક્યારેય ન પૂરાય નહીં તેવો ખાલીપો સર્જાઈ ગયો છે. અનેક સ્વજનોને આ ઘટના બાદ હવે મનોચિકિત્સકો પાસેથી કાઉન્સિલિંગ લેવું પડી રહ્યું છે. પ્લેનક્રેશમાં સ્વજનો ગુમાવનારા મોટાભાગના એવા હતા કે જેઓ થોડા સમય પહેલા જ એરપોર્ટમાં મૂકીને આવ્યા હતા અને તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમને તેમના સ્વજનોને ગુમાવવાના સમાચાર મળ્યા હતા. આ ઘટના બાદ અનેક સ્વજનોને માથે જાણે આભ તૂટી પડયું છે. કેટલાક સ્વજનો અનિદ્રાની સમસ્યા તો કેટલાક ડિપ્રેશનની સમસ્યામાં સરી પડ્યા છે.
વિમાનના અવાજથી પણ ડર લાગે
આવી જ સ્થિતિ ક્રેશ સાઈટ આસપાસ રહેતા સ્થાનિકોની છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આજે પણ વિમાન પસાર થવાનો અવાજ પણ આવે તો તેઓ ડરી જાય છે. આ ઘટના નજરે જોનારા કેટલાક તો આજે પણ ઊંઘી શકતા નથી.
પિતાના અવસાન બાદ લૌકિક ક્રિયાઓ પૂર્ણ કરીને માતાને પોતાની સાથે લંડન લઈ જતો પુત્ર, તાજેતરમાં જ એમબીબીએસ પૂરું કરનારી દીકરીને માસ્ટર્સ માટે લંડન લઈ જઈ રહેલા માતા-પિતા, 6 મહિના અગાઉ જ લગ્ન થયા હતા અને હવે પતિના ઘરે લંડન જઈ રહેલી યુવતી… મૃતકો પૈકીના કેટલાક મુસાફરોની આ વાત છે. આવા અનેક મુસાફરો હતા જેમાંથી કેટલાક યુરોપમાં ફરવા, સ્વજનને મળવા જઈ રહ્યા હતો તો બિઝનેસ મીટિંગ માટે જઈ રહ્યા હોવાથી ફ્લાઇટમાં બેસતાં જ કેટલાકે તેની તૈયારી શરૂ કરી દીધી હતી, કોઈ અભ્યાસ માટે તો કોઈ નોકરીના શમણાં સજાવીને ફ્લાઈટમાં બેઠા હતા. આ તમામ આકાંક્ષા-આયોજનોનું મિનિટોમાં જ ક્રેશ લેન્ડિંગ થયું હતું.
92 પેસેન્જરોને વચગાળાની સહાયના 25 લાખની ચૂકવણી
એર ઈન્ડિયા દ્વારા અમદાવાદ ખાતે હેલ્પડેસ્ક ખોલી 25 લાખ રૂપિયાની વચગાળાની આર્થિક સહાય 20 જૂનથી શરૂઆત કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં પ્લેનમાં સવાર મુસાફરો અને ક્રૂ-મેમ્બરને સહાય ચુકવવામાં આવશે. દસ્તાવેજોની ચકાસણી કરી 92 પરિવારને નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે. બીજા 66 મુસાફરોના દસ્તાવેજની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે અને તેમને ટૂંક સમયમાં નાણાં ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, ઘટના સ્થળે મોતને ભેટેલા અને ઈજાગ્રસ્તને ટાટા સન્સ તરફથી સહાય મળવાની છે.
800થી વધુ DNA સેમ્પલ બાદ 60 મૃતદેહની ઓળખ
પ્લેનક્રેશની દુર્ઘટનાના 17માં દિવસે મૃતકોના ડીએનએ મેચિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ડીએનએથી ઓળખ માટે 800થી વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ડીએનએ ટેસ્ટ પરથી સતત 17 દિવસ સુધી ગુજરાતનું આ સૌથી મોટું ઓપરેશન હતું. જેના માટે ડાયરેક્ટર ઑફ ફોરેન્સિક સાયન્સ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની ટીમ જોડાઈ હતી. ડીએનએ સેમ્પલિંગ માટે 13 જૂન સવારથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. 30 જેટલા કેસમાં સેમ્પલિંગમાં ખાસ સમસ્યા નડી હતી. કેટલાક કિસ્સામાં આર્ટિફિશિયલ દાંત હોવાથી પણ તેના સેમ્પલ મેચ થવામાં મુશ્કેલી થઈ હતી.
પ્લેનક્રેશની ઘટનાઃ
230 મુસાફરો પ્લેનમાં સવાર હતા.
12 ક્રૂ મેમ્બર્સ પણ હતા.
1 મુસાફરનો જ જીવ બચી શક્યો, અન્ય 241ના મૃત્યુ.
14 મૃતકો નોન પેસેન્જર હતા, વિમાન ક્રેશ થયું તેની આસપાસના સ્થળે હતા.
5 મેડિકલ વિદ્યાર્થીઓએ પણ ક્રેશમાં જીવ ગુમાવ્યો.
70 લોકો પ્લેનક્રેશ બાદ ઘાયલ થયા હતા.
254 મૃતકોની ઓળખ માટે ડીએનએ સેમ્પલની જરૂર પડી, 6ની જ ઓળખ ચહેરાથી થઈ શકી.
600થી વધુ ડૉક્ટરોની ટીમ પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી માટે ખડેપગે.
800થી વધુ ડીએનએ સેમ્પલ લેવા પડયા.
300થી વધુ ફાયરફાઇટર્સની ક્રેશ બાદ આગ બૂઝાવવા મદદ લેવાઈ.
1500 ડિગ્રી તાપમાન પ્લેનક્રેશ થયું ત્યારે પહોંચી ગયું હતું.
30થી વધુ એજન્સીઓ ક્રેશના કારણ જાણવાની તપાસમાં જોડાઈ.