Ali Khamenei Takes Part In Ashura Ceremony: ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધ શરૂ થયા પછી ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ પહેલી વાર જાહેરમાં જોવા મળ્યા છે. તેમને જોવા માટે મોટી ભીડ ઉમટી હતી. શનિવારે (પાંચમી જુલાઈ) આશુરાની પૂર્વસંધ્યાએ આયોજિત શોક સમારોહમાં અયાતુલ્લા અલી ખામેનેઈએ હાજરી આપી હતી.
ખામેનેઈએ તેહરાનમાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી
અહેવાલો અનુસાર, ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ શનિવારે ઈઝરાયલ સાથેના તેમના દેશના તાજેતરના 12 દિવસના યુદ્ધ પછી પ્રથમ વખત તેમણે તેહરાનમાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ઈરાનની ટેલિવિઝન પર પ્રસારિત થયેલા એક વીડિયોમાં 80 વર્ષીય ખામેનેઈ એક મસ્જિદમાં લોકોનું સ્વાગત કરતા અને ઉત્સાહિત કરતા જોવા મળ્યા હતા.
86 વર્ષીય અયાતુલ્લા અલી ખામેનેઈ કાળા પોશાક પહેરેલા સ્ટેજ પર જોવા મળ્યા હતા, જ્યારે એક ભીડ તેમની સામે હાથ ઉંચા કરીને ઊભી હતી અને સૂત્રોચ્ચાર કરી રહી હતી.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ
ઈઝરાયેલ સાથેના 12 દિવસના હવાઈ હુમલામાં ઈરાનના પરમાણુ સ્થળો, સંરક્ષણ પ્રણાલીઓ અને ટોચના લશ્કરી અધિકારીઓને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન અયાતુલ્લા અલી ખામેનેઈ જાહેર જોવા મળ્યા ન હતા. તે સુરક્ષિત જગ્યાએ છુપાયેલા હતા અને તેમના તરફથી રેકોર્ડ કરેલા સંદેશાઓ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે 12 દિવસનું યુદ્ધ 13મી જૂને શરૂ થયું હતું, જ્યારે ઈઝરાયેલે ઓપરેશન 'રાઇઝિંગ લાયન' હેઠળ ઈરાનના પરમાણુ સ્થળો અને લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. જવાબમાં ઈરાને તેલ અવીવ અને જેરુસલેમ સહિતના મુખ્ય ઈઝરાયલી શહેરો પર ઘણી બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી.