
ગોંડલમાં ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા વચ્ચે રાજકીય ઘમસાણ થયું હતું. ગોંડલ પહોચેલા પાટીદાર આગેવાનો અલ્પેશ કથિરિયા, જીગીશા પટેલ, ધાર્મિક માલવીયાના કાફલાને ગણેશ જાડેજાના સમર્થકોનો વિરોધ સહન કરવો પડ્યો હતો.
બંને પક્ષોએ સામસામે ફરિયાદ પણ નોંધાઈ
આશાપુરા ચોકડી પાસે લોકોનાં ટોળાએ તેમના કાફલામાં સામેલ ચાર-પાંચ કારનાં કાચ ફોડી નાખી હુમલાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પથ્થરબાજી પણ થઇ હતી. આ મામલે બંને પક્ષોએ સામસામે ફરિયાદ પણ નોંધાઈ હતી.
ગણેશના સમર્થકોને કારથી કચડવાનો પ્રયાસ અને રાયોટીંગ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. તો બીજી તરફ કથિરિયાના સમર્થનમાં આવેલી ચાર-પાંચ કારમાં તોડફોડની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. બ્રેજા કાર ચાલક વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે, તેણે યુવકો પર કાર ચડાવવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ છે.
પોલીસે રાષ્ટ્રધ્વજના અપમાનનો પણ ગુનો નોંધ્યો
અલ્પેશ કથિરીયા સહિતના લોકોની કારમાં થયેલ તોડફોડ સમયે પોલીસે રાષ્ટ્રધ્વજના અપમાનનો પણ ગુનો નોંધ્યો હતો. પાટીદાર આગેવાનો સાથે આવેલ થાર ગાડી નંબર GJ 05 RU 1200માં રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજ તોડીને નીચે ફેંકનાર ગોંડલના હિતેશ રમેશભાઈ રાઠોડ રહે.ગોંડલ નામના શખ્સ સામે રાષ્ટ્રધ્વજના અપમાનની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે કારમાં રાષ્ટ્રધ્વજ લગાવવાનો વિશેષ અધિકાર નહી હોવા છતા કારમા રાષ્ટ્રધ્વજ લગાવેલ હોવાથી કાર માલિક સામે પણ ગુનો નોંધાયો છે.