
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લો ગાર્ડન અને મીઠાખળી વિસ્તારના 6 રસ્તાઓને પ્રિસિંક્ટ ઝોનમાં પુનઃવિકાસ કરવા માટે મંજૂરી આપી છે. એએમસીની રોડ અને બિલ્ડીંગ કમિટીની બેઠક દરમિયાન મંજૂર કરાયેલા આ પ્રસ્તાવમાં 100 કરોડ રૂપિયાનું રોકાણ સામેલ છે. હવે લો ગાર્ડન અને મીઠાખળીના આસપાસ વિસ્તારોને સી.જી. રોડ પ્રમાણે તૈયાર કરાશે.
6.6 કિમી લંબાઈના રોડને ડેવલપ કરાશે
મળતી માહિતી અનુસાર, લો ગાર્ડન અને મીઠાખળીની આસપાસ કુલ 6.6 કિમી લંબાઈના રોડને ડેવલપ કરાશે. જેમાં રાહદારીઓ માટે અનુકૂળ ફૂટપાથ, પાર્કિંગ, ચાલવા માટે વોક વે, ગઝીબો અને બેન્ચ સહિતની સવિધો હશે. એએમસીની રોડ અને બિલ્ડીંગ કમિટીએ દાવો કર્યો છે કે, રોડ પર વરસાદી પાણી ભરાય નહીં તે માટે પૂરતી વ્યવસ્થા કરાશે.
AMCના 2025-26 બજેટ હેઠળ હાથ ધરવામાં આવેલા પહેલો પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હશે. બજેટમાં 270 કરોડના અંદાજિત ખર્ચે 20 મુખ્ય રસ્તાઓને અપગ્રેડ કરીને 38 કિમી લાંબા મેટ્રો પ્રિસિંક્ટનો પુનઃવિકાસ કરવાની યોજના છે. હેરિટેજ સ્થળો, હૉસ્પિટલો, શૈક્ષણિક સંકુલ, રમતગમત સ્થળો પાસે પણ વિવિધ થીમ આધારિત સ્થળો તૈયાર કરાશે.