
શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વેપાર યુદ્ધની અટકળોને વેગ આપ્યો. તેમણે 1 જૂનથી યુરોપિયન યુનિયનમાંથી થતી તમામ આયાત પર 50 ટકા ટેરિફ અને એપલના આઇફોન સહિત અમેરિકામાં ન બનેલા તમામ સ્માર્ટફોન પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. તેમના આ નિવેદનથી વૈશ્વિક બજારોમાં હલચલ મચી ગઈ છે.
સોશિયલ મીડિયા પર એક સંદેશમાં, ડોનાલ્ડ ટ્રમ્પે EU પર નિશાન સાધ્યું અને કહ્યું કે વેપાર વાટાઘાટો અટકી ગઈ છે. તેમની સાથેની અમારી ચર્ચા કોઈ નિષ્કર્ષ પર પહોંચી રહી નથી. તેમણે EU પર અન્યાયી વર્તન કરવાનો આરોપ લગાવ્યો અને યુરોપમાં અમેરિકન ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો આગ્રહ રાખ્યો.
ટ્રમ્પની એપલને ચેતવણી
ટ્રમ્પે એપલને ચેતવણી પણ આપી હતી કે તેણે સ્થાનિક સ્તરે આઇફોનનું ઉત્પાદન કરવું પડશે. નહિંતર, તેને નવા ટેરિફનો સામનો કરવો પડશે. ટ્રમ્પે કહ્યું કે તેમણે એપલના સીઈઓ ટિમ કૂકને ઘણા સમય પહેલા કહ્યું હતું કે ઉત્પાદન અમેરિકામાં થવું જોઈએ.
ટિમ કૂકે કહ્યું કે તેઓ ભારતમાં એક પ્લાન્ટ બનાવવા જઈ રહ્યા છે. ત્યારે ટ્રમ્પએ કહ્યું કે ભારત જવાનું ઠીક છે, પણ તમે અહીં ટેરિફ વગર વેચી શકશો નહીં. જો તમે અમેરિકામાં આઇફોન વેચવા જઈ રહ્યા છે, તો હું ઇચ્છું છું કે તે અમેરિકામાં બને.
https://twitter.com/ANI/status/1926005570164707717
એપલ હાલમાં ચીની ટેરિફથી બચવા માટે તેના મોટા ભાગના આઇફોન એસેમ્બલીને ભારતમાં શિફ્ટ કરી રહ્યું છે, પરંતુ તેનું ઉત્પાદન યુએસમાં શિફ્ટ કરવાની કોઈ જાહેર યોજના નથી. વિશ્લેષકો કહે છે કે અમેરિકામાં આઇફોનનું ઉત્પાદન કરવાથી કિંમતોમાં સેંકડોથી હજારો ડોલરનો વધારો થશે.
ટ્રમ્પે બાદમાં સ્પષ્ટતા કરી હતી કે સ્માર્ટફોન ટેરિફ મોટાભાગે એપલ, સેમસંગ અને કોઈપણ વિદેશી ફોન પર જૂનના અંત સુધીમાં લાદવામાં આવશે.
ગયા વર્ષે, EU એ યુએસને $500 બિલિયન મૂલ્યના માલની નિકાસ કરી હતી, જેમાં જર્મની, આયર્લેન્ડ અને ઇટાલી આગળ હતા. 50 ટકા ટેરિફ કાર, ફાર્માસ્યુટિકલ્સ અને વિમાન જેવા ઉત્પાદનો પર ભારે અસર કરશે, જેનાથી અમેરિકન ગ્રાહકો માટે ખર્ચમાં વધારો થવાની શક્યતા છે.
EU વેપાર વડા મારોસ સેફકોવિકે શાંતિ જાળવવાની અપીલ કરી અને પરસ્પર આદર રાખવાની હાકલ કરી, જ્યારે ડચ વડા પ્રધાન ડિક શોફે જણાવ્યું હતું કે ટેરિફ ધમકીઓ પહેલા યુએસ વાટાઘાટોની વ્યૂહરચનાનો ભાગ હતી.
વૈશ્વિક બજારમાં ઉથલપાથલ
ટ્રમ્પના નિવેદન બાદ બજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. અમેરિકન અને યુરોપિયન શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારોની ચિંતા વચ્ચે ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો થયો અને સોનાના ભાવ વધ્યા. ઉપરાંત, એપલના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો છે.