
આમોદમાંથી હેઝાર્ડ વેસ્ટના નિકાલનું કૌભાંડ ઝડપાયું છે. સરભણ ગામની સીમમાંથી હેઝાર્ડ વેસ્ટ ભરેલું એક ટેન્કર ઝડપાયું હતું. જેણે લઈને એસિડિક કેમિકલના નિકાલ મામલે ચાર આરોપી ઝડપાયા છ. સાથે જ અંકલેશ્વરની કેમિકલ કંપની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ગત જૂન માસમાં સરભણ ગામની સીમમાંથી હેઝાર્ડ વેસ્ટ ભરેલું એક ટેન્કર પકડાયું હતું. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના તાજેતરના રિપોર્ટમાં કેમિકલમાં એસિડનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. આ મામલે અંકલેશ્વરની સિદ્ધી સમ્રાટ ડાય કેમિકલ પ્રા.લિ. કમ્પનીના સંચાલક વિરુદ્ધ IPC અને પર્યાવરણ સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ધવલ કટારિયા, નિલેશ ભૂત, જયંતી ધામોર અને ટેન્કર ડ્રાઈવર આનંદ પરમારની ધરપકડ કરી છે.
સમગ્ર હેઝાર્ડ વેસ્ટના કૌભાંડ મામલે પોલીસે ગુનાના મુખ્ય આરોપી અને સિદ્ધિ સમ્રાટ કેમિકલ કંપનીના માલિક ધવલભાઇ કાંતીભાઇ કંટારીયા તેમજ નિલેશભાઇ જમનાદાસ ભુત અને હેઝાર્ડ વેસ્ટ ભરનાર ઓપરેટર જયંતીભાઇ જેસંગભાઇ ધામોર તથા હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરનાર ટ્રક ડ્રાઇવર આનંદભાઇ નટવરભાઇ પરમારની ધરપકડ કરી છે.
DYSP પી.એલ.ચૌધરીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની પ્રવૃત્તિ પર કડક નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર પ્રકરણમાં પોલીસે ખોટા જીએસટી બિલ બનાવી કેમિકલ વેસ્ટનો નિકાલ કરતી અંકલેશ્વરની સિદ્ધિ સમ્રાટ કેમિકલ કંપની સામે ફરિયાદ નોંધી છે. આ મામલે આમોદ પોલીસ મથકે ઇ.પી.કો. ૨૭૭, ૨૮૪, ૩૩૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) તથા પર્યાવરણ સુરક્ષા અધિનિયમની કલમ-૧૫, ૧૬ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પર્યાવરણને નુકસાન થતું અટકાવવા તમામ કાયદેસર પગલાં લેવામાં આવશે. હાલમાં વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.