
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ છે, ત્યારે અમરેલી જિલ્લામાં કુલ 114 સામાન્ય અને 193 પેટા મળીને 307 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. જેમાં અત્યાર સુધીમાં 29 ગ્રામ પંચાયતો સમરસ થઈ ચૂકી છે અને હજુ પણ વધુ પંચાયતો સમરસ બને તેવી શક્યતા છે. જ્યારે 163 વોર્ડમાં એક પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી. તેવામાં લાઠીના પ્રતાપગઢ ગામમાં આઝાદી સમયથી ચૂંટણી થતી ન હોવાનો પૂર્વ સરપંચે દાવો કર્યો છે. આ ગામમાં સમરસથી સરપંચ બિન હરીફ ચૂંટાતા હોવાનું ગ્રામજનોનું કહેવું છે.
આઝાદી સમયથી અહીં ચૂંટણી નથી થઈ: પૂર્વ સરપંચ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા પ્રતાપગઢ ગામ આઝાદીના દાયકાઓથી ગામમાં ચૂંટણી યોજાતી ન હોવાનો ગ્રામજનોનો દાવો છે. પ્રતાપગઢ ગામના પૂર્વ મહિલા સરપંચે જણાવ્યું હતું કે, 'હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે અમારું ગામ સમરસ જાહેર થયું છે. આઝાદીના સમયથી અમારા ગામમાં ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી.' ગ્રામજોનોનું કહેવું છે કે, ગામમાં સરપંચ અને સભ્યોની બિન હરીફ વરણી કરવામાં આવે છે. સમરસ ગામ બનવાને કારણે સરકાર દ્વારા પણ પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે, જેનો ઉપયોગ ગામના વિકાસ કાર્યોમાં કરી શકાય છે.
પ્રતાપગઢ ઉદ્યોગપતિઓનું ગામ, વિકાસનું પ્રતીક: ગ્રામજનો
પ્રતાપગઢ ગામ આમ તો 1200ની વસ્તી ધરાવે છે, પરંતુ મોટાભાગના લોકો સુરત સહિતના શહેરોમાં વસવાટ કરે છે. હાલમાં ગામમાં 200થી 300 જેટલા લોકો સ્થાયી વસવાટ કરી રહ્યા છે. આ ગામના અનેક ઉદ્યોગપતિઓ સુરતના હીરા ઉદ્યોગ અને અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા છે, જેમણે પોતાના ગામના વિકાસમાં સિંહફાળો આપ્યો છે.
પ્રતાપગઢ ગામમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામમાં સ્વચ્છતા, સુવ્યવસ્થિત રોડ-રસ્તાઓ, અને ઘરે-ઘરે પાણીની વ્યવસ્થા જોવા મળે છે. આ ઉપરાંત, અહીં કમ્પ્યુટર લેબ, શાળા અને સુવિધાયુક્ત ગ્રામ પંચાયત પણ કાર્યરત છે. ગામમાં ઓક્સિજન પાર્ક પણ નિર્માણ કરવામાં આવ્યો છે, જે ગામના લોકો માટે આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડે છે.