
Anand News: આણંદના કાસોર ગામે રૂપિયા 90 લાખની ગ્રાન્ટ હડપ કરવાનો કારસો રચાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગ્રાન્ટમાંથી મલાઈ લેવા માટે આખે આખી નકલી પાણી સમિતિ બનાવી હોવાની ઘટના સામે આવી છે. આ સમિતિ બનાવવા માટે ગ્રામ પંચાયતના 12 પૈકી 10 સભ્યોની ખોટી સહીઓ કરવામાં આવી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. જે પૈકી દરખાસ્ત કરનાર તરીકે જેમની સહી કરવામાં આવી છે તે શ્રીકાંતભાઈ પટેલ ખુદ જણાવી રહ્યા છે કે તેઓએ આવી કોઈ સહી કરી નથી.
ગ્રામ પંચાયતમાં પાણી સમિતિ ક્યારે બની તેની તેઓને ખબર નથી. ફક્ત શ્રીકાંતભાઈ નહીં ગામ પંચાયતના અન્ય મહિલા સભ્યો પણ આવી સમિતિથી અજાણ છે અને પોતે કોઈ સમિતિમાં સહી નહીં કરી હોવાનું જણાવી રહ્યા છે. આ સમગ્ર મામલે સરપંચ અને તેના મળતીયાઓ દ્વારા ગોટાળો કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ગામના જાગૃત નાગરિક ભાસ્કરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે તેઓને ખબર પડી કે, ગામમાં 12 કલાક પાણી આવતું હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા વધારાના રૂપિયા 90 લાખનો ખર્ચ કરી વાસ્મો પ્રોજેક્ટ હેઠળ પાણીની ટાંકી બનાવવામાં આવી રહી છે. મહત્વની બાબત છે કે આરટીઆઈમાં મળેલા કાગળોની તપાસ કરતા ચોકાવનારી વિગતો સપાટી પર આવી હતી.
આટલું જ નહીં વાસ્મો પ્રોજેક્ટ હેઠળ જે પાણીની ટાંકી બની રહી છે, તેના મટીરીયલમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપ પણ ખુદ પંચાયત સભ્યો જ કરી રહ્યા છે. ટાંકી બનાવવા વપરાતા સળિયા અને માટી પણ ગુણવત્તા વગરની હોવાના આક્ષેપ સભ્યોએ કર્યા છે. જોકે આ તમામ આક્ષેપોના જવાબ આપવાથી ગ્રામ પંચાયતના સરપંચ દૂર ભાગી રહ્યા છે. જ્યારે તલાટીને સમગ્ર મામલે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ પણ ગલ્લા તલ્લા કરતા જોવા મળ્યા હતા.