
જૂનાગઢ જિલ્લામાં પોલીસ અધિકારી પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસ અધિકારીને બાતમી મળી હતી કે એક ફરાર આરોપી લગ્ન પ્રસંગમાં હાજરી આપવાનો છે જેથી પીઆઈ સહિતનો કાફલો આરોપીની રેકી કરી તેને ઝડપી પાડવા ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં આરોપી તથા તેના સાગરિતો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો.
જુનાગઢ જિલ્લામાં સી ડીવીજનમાં ફરજ બજાવતા પીઆઈ વત્સલ સાવજને બાતમી મળી હતી લખન ચાવડા નામક ફરાર આરોપી લગ્ન પ્રસંગમાં દ્વારકાધીશ ફાર્મમાં હાજરી આપવાનો છે. જેથી પીઆઈ સહિત 8 ડી સ્ટાફના પોલીસ જવાન આરોપીની રેકી કરવા પહોંચ્યા હતા. કિન્તુ આ ફાર્મ ઘણું મોટું હોવાથી તેમાં ઘણાં રસ્તા હતા જેથી પોલીસ જવાન અલગ અલગ સ્થળો પર આરોપીની રેકી કરી રહ્યા હતા. એવામાં આરોપી લખન ચાવડાને પીઆઈ વત્સલ સાવજે ઝડપી પાડ્યો હતો. પરંતુ આરોપીના અન્ય સાગરિતો ત્યાં આવી જતાં પોલીસ અને આરોપીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો : રાજકોટમાં કતલખાનું ચલાવનાર ભાજપના કાર્યકર્તા સહિત 2ની ધરપકડ
આ સમગ્ર મામલે લખન ચાવડા અને અજાણ્યા આઠ ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. લખન ચાવડા પોલીસ ચોપડે ઘણાં સમયથી ફરાર હતો. બુટલેગર લખન ચાવડાને પીઆઈ સાવજ પકડવા જતા ઝપાઝપી થયાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.