ગુજરાતીઓ દાનમાં સૌથી અગ્રેસર રહેતા હોય છે. ત્યારે અંગદાનની સાથે દેહદાનમાં પણ ગુજરાતીઓ આગળ આવી રહ્યાં છે. ત્યારે સાત સમંદર પાર કેનેડામાં વસવાટ કરતાં યુવકનું ત્યાં મૃત્યું થયું હતું. ત્યારબાદ પાર્થિવ દેહને વતનમાં લાવવામાં આવ્યો હતો. અંગદાન કરતી સંસ્થા સાથે જોડાયેલા પરિવારે યુવકના પાર્થિવ દેહનું દાન કરીને સમાજને નવી દિશા બતાવી છે. ત્યારે વિદેશથી સ્વદેશ પાર્થિવ દેહને લાવીને દાન કરાયાની પ્રથમ ઘટના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઝાડા ઉલટી બાદ અવસાન
મૂળ આણંદ જીલ્લાના ઓડ ગામના વતની, પ્રકાશભાઈ પટેલનો સુપુત્ર પ્રજેશ તેના પરિવાર સાથે કેનેડામાં રહેતો હતો. ત્યાં બેકરીની દુકાન ચલાવતો હતો. રવિવાર તા. ૨૧ એપ્રિલના રોજ પ્રજેશને ઝાડા ઉલટી થતા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. થોડા કલાકોની સારવાર પછી તેનું બ્લડ પ્રેશર ઘટી જતા તેમજ ઓક્સીજન લેવલ ઓછું થઈ ગયું હતું. જેથી તેનું મૃત્યુ થયું હતું. જેની જાણ મુંબઈમાં રહેતા પ્રજેશના માતા-પિતા પ્રકાશભાઈ અને આરતીબેનને કરવામાં આવી હતી.
પિતાએ અંગદાન કરવા કહ્યું
આ દુ:ખની ઘડીમાં અંગદાનના ક્ષેત્રમાં કાર્ય કરતા ડોનેટ લાઈફના ટ્રસ્ટી પ્રકાશભાઈએ એક પળનો વિલંબ કર્યા વગર જણાવ્યું કે, તેમના પુત્ર પ્રજેશની આંખોનું દાન કરાવીને બીજી વ્યક્તિને રોશની આપો, પરંતુ હોસ્પિટલમાં આંખનું દાન થઈ શકયુ ન હતું. સ્વ. પ્રજેશના પાર્થિવ દેહને એમ્બાલ્બિંગની રાસાયણિક પ્રક્રિયા કરીને મોર્ગમાં મુકવામાં આવ્યો હતો. તેના પાર્થિવ દેહને ભારત લાવવા માટેની તૈયારી શરૂ કરવામાં આવી હતી.
એર એમ્બ્યુલન્સથી મૃતદેહ આવ્યો
સોમવાર તા. ૨૯ એપ્રિલના રોજ સ્વ. પ્રજેશના પાર્થિવ દેહને એર ઈન્ડિયાના વિમાન મારફત ટોરેન્ટો થી દિલ્હી, દિલ્હી થી અમદાવાદ, અમદાવાદ થી એમ્બ્યુલન્સ મારફત ઓડ ગામ લાવવામાં આવ્યો હતો. ત્યારે વાતાવરણ ખુબ જ ગમગીન બની ગયું હતું. હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. સ્વ. પ્રજેશના પાર્થિવ દેહને સમયસર દિલ્હી થી અમદાવાદ એર ઈન્ડિયાના વિમાન મારફત સમયસર પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતીરાજ સિંધિયા અને આણંદના સાંસદ મીતેશભાઇ પટેલ (બકાભાઈ) નો સહકાર સાંપડ્યો હતો.
પરિવારે દેહદાન કર્યુ
આ દુ:ખ ની ઘડીમાં સ્વ. પ્રજેશની ધર્મપત્ની સેજલ, પિતા પ્રકાશભાઈ, માતા આરતીબેન, સસરા હરીશભાઈ,સાસુ કોકીલાબેન, તેમજ પ્રકાશભાઈ પટેલના પરિવારજનોએ નિર્ણય કર્યો કે સ્વ. પ્રજેશનો અંતિમ સંસ્કાર કરવાને બદલે મેડીકલના વિદ્યાર્થીઓને શરીરની એનેટોમી શીખવા માટે સ્વ. પ્રજેશના દેહનું દાન કરવું જોઈએ.
ઈન્સ્ટિટ્યુટને દેહદાન કરાયું
સ્વ. પ્રજેશના પાર્થિવ દેહનું દાન કરવાનો નિર્ણય થતા જી.જે.પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદિક સ્ટડીઝ એન્ડ રિસર્ચ, સીવીએમ યુનિવર્સિટી ન્યુ વલ્લભ વિદ્યાનગર ના ડીન ડૉ.સી. એસ. બાબરિયા નો સંપર્ક કરવામાં આવ્યો અને તેઓએ સ્વ. પ્રજેશના દેહનું દાન સ્વીકાર્યું હતું.

