સુરેન્દ્રનગરમાંથી એક ચોંકાવનારી ઘટાન સામે આવી રહી છે જેમાં આંગણવાડી કેન્દ્રમાં સડેલા ચણાને ભોજનમાં આપવાનો મામલો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં આંગણવાડી કેન્દ્રમાં નાના બાળકો તથા સગર્ભા મહિલાને ભોજનમાં આપવામાં આવતા ચણા સડેલા હોવાને મુદ્દે હોબાળો મચ્યો હતો.
ચણામાં જીવાત પડી ગઈ અને ધનેરા ફૂગ વળી હોવાનું સામે આવ્યું
પાટડી વેલનાથનગરની આંગણવાડી કેન્દ્ર દ્વારા સડેલા ચણા વિતરણ કરાતા નગરપાલિકાના મહિલા સદસ્યએ જ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ CDPOઓ પણ તાત્કાલિક કેન્દ્રની મુલાકાત લેવામાં દોડી આવ્યા હતા. બાળકોને ભોજનમાં આપવામાં આવતા ચણામાં જીવાત પડી ગઈ અને ધનેરા ફૂગ વળી હોવાનું સામે આવ્યું હતું. બાળકોના સ્વાસ્થ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.
ઘટનાને પગલે સુપરવાઇઝરને નોટિસ ફટકારાઈ
બાળકો તથા સગર્ભા મહિલાના આરોગ્ય સામે પણ સવાલ ઉઠ્યા હતા. બાળકોને ભોજનમાં સડેલા ચણા આપવામાં આવતા હોવાનો ધડાકો થયો હતો. નગરપાલિકાના સદસ્યને જાણ થતાં જ જાગૃત નાગરિક તરીકે ફરિયાદ કરી હતી અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આંગણવાડીમાં આવતા બાળકોના વાલીઓએ પણ રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાને પગલે સુપરવાઇઝરને નોટિસ ફટકારવામાં આવી છે.