
લોગઇન :
કશુંય ના કવિતા સમ,
કવિતાથી વધુ કંઈ નહીં
કવિતાના જ ખાઉ સમ,
કવિતાથી વધુ કંઈ નહીં
ખીલે એ પાનખરમાં ને વસંતે થાય વૈરાગી
નરી નિત મ્હેંકતી મોસમ,
કવિતાથી વધુ કંઈ નહીં
કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષર
તપાસો સત્વ, રજ ને તમ,
કવિતાથી વધુ કંઈ નહીં
કદી એકાંત અજવાળે,
કદી આ આંસુઓ ખાળે
બનાવે શ્વાસને ફોરમ,
કવિતાથી વધુ કંઈ નહીં
વણ્યું ચરખે કબીરે એ કે એણે ગણગણ્યું'તું એ?
કહો મોંઘું ક્યું રેશમ?
કવિતાથી વધુ કંઈ નહીં
થશે ઝાંખા શિલાલેખો કે
તૂટશે કોટના ગુંબજ
હશે પરભાતિયા કાયમ,
કવિતાથી વધુ કંઈ નહીં
- પ્રણવ પંડયા
મનોજ ખંડેરિયાનો સરસ શેર છે-
કવિતા તો છે કેસર વહાલમ,
ઘોળો સોનાવાટકડીમાં.
કવિતાનું કેસર હૃદયની સોનાવાટકડીમાં ઘૂંટાતું હોય છે. કવિતા ત્રણ અક્ષરનું ત્રિભૂવન છે. ત્રણ કાળનું તેજ છે. વર્તમાન, ભૂત અને ભવિષ્યનો ભોમિયો છે. જીવાઈ રહેલી, જીવાઈ ગયેલી કે જે જીવવાની છે ત્રણે જિંદગીનુંં સચોટ સરવૈયું રજૂ કરવા માટે કવિતાથી વિશેષ કશું ન હોઈ શકે. તેમાં ભાવ પણ છે અભાવ પણ. આનંદ પણ છે અને શોક પણ. સ્મિત છે તો આંસુ પણ. હૃદયમાં ઝીલાયેલાં કેટલાંય સંવેદનો શબ્દના તરાપે કવિતા બનીને તરતા રહે છે. તેમાં અમુક તૂટેલાં સપનાનાં તણખા હોય છે, તો અમુક પાંગરી રહેલી ઝંખનાનાં ઝરણાં પણ. હૃદયના ખૂણામાં પાંગરી રહેલી કૂંપળને કોઈ સૂર્યના પહેલા કિરણની જેમ મળે ત્યારે સમજી જવું કે કવિતાનું પુષ્પ ખીલી રહ્યું છે. દિલીપ ઝવેરીએ લખેલું, 'ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા ન હોય, પણ ખોવાયલાનેય જે મળી શકે તે કવિતા.'
કવિતા લખવાથી કે વાંચવાથી બેન્કમાં બેલેન્સ નથી વધી જવાનું પણ હૃદયમાં ઊભરાતા ભાવનાઓના ઘોડાપૂરનું બેલેન્સ કેવી રીતે જાળવવુંં તે ચોક્કસ સમજી શકાશે. કવિતાથી તમે જગતને સમજી શકો કે નહીં, પણ જાતને ચોક્કસ સમજી શકશો. કવિતા કરીને કવિ કંઈ જગતનો ઉદ્ધાર નથી કરી નાખતા, પણ કવિતા દ્વારા એટલું ચોક્કસ સમજી શકાય કે ઉદ્ધારને લાયક શું છે? જયંત પાઠકે લખેલું, 'કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય? સરોવરો સુકાઈ જાય? નદીઓ વહેતી થંભી જાય? ડુંગરા ડોલી ઊઠે? ઘાસ ઊગતું બંધ થઈ જાય? પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય? ના, ના, એવું એવું તો ના થાય - પણ... પછી જળપરીઓ છાનીમાની ઝીણાં પવનવસ્ત્રો ઉતારી જલક્રીડા કરવા ના આવે; ડુંગરા વાદળની પાંખો પહેરીને ઊડી ના શકે; ઘાસને આંસુના ફૂલ ના ફૂટે; પૃથ્વી ગોળ ગોળ ફરે પણ ઠેરની ઠેર રહે અવકાશમાં; આકાશ ભણી ઊચેં ના જાય. કવિતા કરવાનું બંધ કરીએ તો આમ, તો કશું ના થાય - એટલે કે કશું થાય જ નહીં! કવિતાના પુસ્તકનું મૂલ્ય હોય છે, કવિતાનું નહીં. કવિતા તો અમૂલ્ય છે. મા ના પ્રેમની સરખામણી માત્ર મા ના પ્રેમ સાથે જ થઈ શકે. એટલા માટે જ તો આપણે ત્યાં કહેવત છે, મા તે મા, બીજા બધા વગડાના વા. કવિતાનું પણ એવું જ છે. કવિતાની સરખામણી કવિતા સિવાય બીજા કોઈ સાથે ન થઈ શકે. એટલે જ તો કવિ પ્રણવ પંડયા લખે છે, કશુંંયે ના કવિતા સમ.
કવિતા તો ઉજ્જડ આંગણામાં ઊગેલું ફૂલ છે. જગત વસંતની વાણી આલાપતું હોય ત્યારે કવિતા વૈરાગી બનીને પોતાની મસ્તીમાં મહાલતી હોય છે. પ્રણવ પંડયાએ એક જ પંક્તિમાં કવિતાનું આખું શાસ્ત્ર કહી આપ્યું છે. કવિતા બીજું કશું જ નથી પણ કાગળમાં માનવતાના હસ્તાક્ષર છે. જ્યાં જ્યાં મહોબત મહાલતી હશે, ત્યાં ત્યાં કવિતા ફાલતી હશે. જ્યાં જ્યાં નીતિનું નાણું રણકતું હશે ત્યાં ત્યાં કવિતા આભને આંબતી હશે. જ્યાં જ્યાં સાચી ભાવનાની સંવેદનભરી શરણાઈ ગૂંજતી હશે, ત્યાં ત્યાં કવિતા સૂર બનીને રેલાતી હશે. અસ્તિત્વના કાગળ પર માનવતા હસ્તાક્ષર કરે ત્યારે કવિતા દશે દિશાએ મહેકે છે. શિલાલેખો કાળક્રમે નાશ પામશે, ગૂંબજો તૂટશે, પણ કવિતાનો શબ્દ જીવતો રહેશે.
કવિ પ્રણવ પંડયા કવિતાના માર્મિક અર્થસંકેતોને બરોબર જાણે છે અને સહજ રીતે રજૂ કરવાની કાબેલિયત પણ ધરાવે છે. તે સારી રીતે જાણે છે કે કવિના શબ્દનો કોઈ વિકલ્પ નથી.
લોગઆઉટ:
બધાનો હોઈ શકે,
સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી,
સૂર્યનો વિકલ્પ નથી.
કપાય કે ન બળે,
ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે,
એ શબ્દનો વિકલ્પ નથી.
- મનોજ ખંડેરિયા