
Ankleshwar News: ભરુચ જિલ્લાના અંકલેશ્વર શહેરના જીતાલી ગામની આલીશાન સીટી સોસાયટીમાં બે મકાનમાંથી ભરૂચ એસઓજી પોલીસે રૂ 22 હજારથી વધુની કિંમતના ગાંજાના જથ્થા સાથે બે મહિલાની ધરપકડ કરી હતી તેમજ બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ સાથે જ પોલીસે ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 54 લાખ 35 હજારો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ એસઓજી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન અંકલેશ્વર શહેરના જીતાલી ગામની આલીશાન સીટી સોસાયટીમાં ગાંજાના જથ્થા અંગેની માહિતી મળી હતી. તેના આધારે પોલીસે સુમનબેન સુભાષ યાદવ અને સંજુદેવી કુંદન રાયના મકાનમાં રેડ કરી ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો અને બંને મહિલાની ધરપકડ કરી હતી.
આ સાથે રૂપિયા 22 હજારથી વધુની કિંમતનો ગાંજો, રોકડા રૂપિયા 26 લાખ 17 હજાર અને રૂપિયા 27 લાખ 74 હજારના સોના-ચાંદીના દાગીના તેમજ બે નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 54 લાખ 35 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી સુમનબેન યાદવના પતિ સુભાષ યાદવ અને સંજીદેવીના પતિ કુંદન રાયને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી. પોલીસે વોન્ટેડ સુભાષ યાદવ અને કુંદન રાયની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.