સુરત શહેરના લંબે હનુમાન રોડ વિસ્તારમાં આવેલ સમર્પણ એપાર્ટમેન્ટમાં આજે સવારે અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી. આગ એટલી ભયાનક હતી કે તે થોડા જ સમયમાં આગળ ફેલાઈ ગઈ અને નીચે આવેલી દુકાન તથા એક રહેણાંક મકાનને પણ ચપેટમાં લઈ લીધા હતા. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો.
તત્કાળ ફાયર વિભાગને જાણ કરાઈ
ફાયર વિભાગે તત્કાલ પ્રતિક્રિયા આપીને ચાર અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી કુલ 8 ફાયર ફાઈટિંગ ગાડીઓને ઘટનાસ્થળે મોકલી હતી. ફાયર કર્મચારીઓએ સમયસર ઘટનાસ્થળે પહોંચીને પાણીના મારો ચલાવવાનું શરૂ કર્યું અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી. આગ લાગ્યાના દ્રશ્યો બિલ્ડિંગના રહેવાસીઓ અને નજીકના લોકો માટે દહેશતજનક રહ્યા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને કેટલાક લોકોએ મકાનમાંથી બહાર નીકળવા માટે તાત્કાલિક બીજા રસ્તા શોધ્યા હતા. અજાણતાં ભયના કારણે ઘરની અનેક વસ્તુઓ છોડી જાત બચાવવી પડી હતી.
જાનહાની ટળી
સૌભાગ્યે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફાયર વિભાગની ઝડપી કાર્યવાહી અને લોકજાગૃતિના કારણે મોટી દુર્ઘટના ટળી છે. જોકે દુકાન અને મકાનમાં મોટું આર્થિક નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પ્રાથમિક તકે શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, પરંતુ ચોક્કસ વિગતો માટે ફાયર વિભાગ અને પોલીસે ઘટના સ્થળની તપાસ શરૂ કરી દીધી છે.