Home / Religion : Ashadh Sud Bij means 'New Year of the Kutch Mandus'

Dharmlok: અષાઢ સુદ બીજ એટલે 'કચ્છી માંડુઓનું નૂતન વર્ષ'

Dharmlok: અષાઢ સુદ બીજ એટલે 'કચ્છી માંડુઓનું નૂતન વર્ષ'

વર્ષો પૂર્વે બહારવટુ કરીને જામ લાખો ફુલાણી કચ્છ પરત ફર્યા ત્યારે 'અષાઢી બીજ' હતી. એ વખતે કચ્છની સુકી ધરતી પર પ્રથમ વર્ષાનાં વધામણાં થયા. ચારે તરફ હર્ષ-હેતની હેલી વર્ષી રહી હતી. આથી રાજા જામ સાહેબ ખુશ થઈને 'અષાઢી બીજ'નાં એ પવિત્ર દિને 'કચ્છ રાજ્યનાં નૂતન વર્ષ' તરીકે ઉજવવાની ઘોષણા કરી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સામાન્ય રીતે કચ્છનાં પ્રદેશમાં પાણીની અછત રહી છે. પરંતુ ત્યાંની પ્રજા પાણીદાર કહેવાઈ છે. જ્યાં કલા અને સાહિત્યનો પણ અદ્ભૂત સંગમ જોવા મળે છે. 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા', એ એક જ વ્યક્તિનો ઉચ્ચાર નથી, પણ એ દેશી અને વિદેશીઓ માટે સાર્વત્રિક સત્ય છે.

અહીંની લોક સંસ્કૃતિ 'પાપ તારું પરકાશ રે, તારો ધર્મ સંભાળજે' જેમ કબૂલાત કરવામાં સહેજે પણ નાનપ, અનુભવતી નથી. 'અષાઢી બીજ'નાં નૂતન વર્ષે સૂર્યનાં પ્રથમ કિરણ સાથે જાડેજા વંશનો જાજરમાન ઇતિહાસ સુવર્ણ અક્ષરોમાં ઝળહળી ઉઠે છે, તો જેસલ-તોરલનાં અમર દામ્પત્યનાં સત્યનો જય-જયકાર આજે પણ સંભળાય છે.

'અષાઢી બીજ'ના મહાપર્વે, ગુજરાતનાં અમદાવાદમાં તથા જગન્નાથપુરીમાં ભગવાન શ્રી જગન્નાથની અભૂતપૂર્વ રથયાત્રાનાં પ્રતિવર્ષ દેશનાં લાખો ભક્તો પ્રત્યક્ષ કે દૂરદર્શન પર નિહાળીને ધન્યતા અનુભવતા હોય છે, તો કચ્છ જેવા ભારતના સરહદી પ્રદેશમાં નવા વર્ષની શરૂઆત આ 'અષાઢી બીજ' થી થાય છે, જેની દેશ-વિદેશોમાં નૂતન અને ભાતીગળ પરંપરારૂપે ઉજવણી થાય છે. આ અષાઢી વર્ષારંભ પર કચ્છી હાલારી સંવત ૨૦૭૯મું બેસે છે.

દર માસની પૂર્ણિમા પર સફેદ ચાંદનીમાં કચ્છનાં સફેદ રણ જાણે એકાકાર થઈ જાય છે. ત્યારે યુવા હૈયાઓને અભિસાર કરવાનું મન થાય છે. તો વર્ષમાં એકવાર ઉજવાતા રણોત્સવના રજવાડાનાં ઝૂંપડામાં ઝળહળાનાં ઝૂમ્મરો અંધકારમાં તોરલા જેમ ઝબકે છે. મહાવિનાશક ભૂકંપને પણ ભોં ભેગો કરી દેવાનું કૌવત કચ્છીઓમાં છે તો અહીંની ભાતીગળ કળા, કારીગરી અને પહેરવેશનો પરિવેશ દેશ-વિદેશીઓને આકર્ષીને તેની મુલાકાત લેવા પ્રેરે છે. કચ્છી માંડુની મીઠી ભાષા સામે મધ પણ મોળું પડે છે, જ્યારે 'કચ્છી નવા વર્ષ' પર કચ્છી માંડુઓ એક બીજાને શુભેચ્છાઓ આપતા કહે છે,

'હલો પાંજે કચ્છડે મે... આવઈ અષાઢી બીજ...!' નવે વર્ષજી અસાંજી લખ-લખ વધાયું!

Related News

Icon