
સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર હવે ઘરે આવવા માટેની તૈયારી કરી રહ્યા છે. તેઓ બન્ને છેલ્લા ઘણાં સમયથી સ્પેસમાં ફસાયા હતા. તેમને લાવવા માટે નાસા ઘણાં સમયથી તૈયારી કરી રહ્યું હતું. તેમના અવકાશયાન બોઇંગ સ્ટારલાઇનરમાં ટેક્નિકલ ઇશ્યુ આવવાથી તેઓ અવકાશમાં જ અટકી ગયા હતા. જોકે, હવે તેઓ 16 માર્ચે ધરતી પર આવી રહ્યા છે અને સુનિતા વિલિયમ્સની એ છેલ્લી ફ્લાઇટ હોવાની ચર્ચા છે.
એક ટીમ અવકાશમાં જશે અને બીજી ટીમ ધરતી પર આવશે
નાસા દ્વારા એ વાતની જાણકારી આપવામાં આવી હતી કે 12 માર્ચે ક્રૂ 10ને લોન્ચ કરવામાં આવશે. આ ટીમ અવકાશમાં જશે અને તેઓ ત્યાં ગયા બાદ, ત્યાંથી ક્રૂ 9 એટલે કે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોરને ધરતી પર લાવવામાં આવશે. આ બન્ને ટીમ એકમેક સાથે કનેક્ટેડ છે. નાસા મુજબ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને કાર્યરત રાખવા માટે એક ટીમે ત્યાં રહેવું ખૂબ જ જરૂરી છે.
ક્રૂ 10ના લોન્ચ માટે બેકઅપ પ્લાન તૈયાર
નાસાએ તેમના ક્રૂ 10ના લોન્ચમાં મોડું થઈ શકે એ માટે પણ તૈયારી કરી રાખી છે. 12 માર્ચે જો આ ક્રૂને લોન્ચ કરવાનું શક્ય ન બને, તો 13 અથવા તો 14 માર્ચે ફરી કોશિશ કરવામાં આવશે. આથી નાસા દ્વારા ત્રણ દિવસનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને બે દિવસ બેકઅપમાં રાખવામાં આવ્યા છે. જો આ દિવસે પણ લોન્ચ શક્ય ન બને, તો તેમને 17 અથવા તો 18 માર્ચે લોન્ચ કરવામાં આવશે. 17 અથવા તો 18 માર્ચે લોન્ચ કરવામાં આવ્યું, તો સુનિતા વિલિયમ્સ ધરતી પર આવે એ દિવસ પણ લંબાઈ જશે.
સુનિતા વિલિયમ્સની છેલ્લી ફ્લાઇટ?
સુનિતા વિલિયમ્સને જ્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને છેલ્લે અલવિદા કરવા માટે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓ પોતાના કરીઅરને લઈને ભાવુક થઈ ગયા હતા. આ વિશે સુનિતા વિલિયમ્સે કહ્યું કે ‘મને એ વિશે યાદ નહીં કરાવો, કદાચ આ મારી છેલ્લી ફ્લાઇટ પણ હોઈ શકે છે. મારા માટે આ દુખની વાત છે અને હું મારાથી શક્ય હોય એટલું એ વિશે વિચારવાની કોશિશ કરું છું. કદાચ મારા પછીના ક્રૂ મેમ્બર્સ આવશે, તેઓ કંઈક નવું શોધીને જશે. કયું શું શોધવું એ હું નહીં કહું, એમણે જાતે એ શોધવું પડશે.’
સ્પેસએક્સની ટીમ કરશે આયોજન
ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સના ક્રૂ ડ્રેગનમાં સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર આવશે. પ્રાયવેટ સ્પેસ કંપની અને નાસાએ પાર્ટનરશિપ કરી છે અને એના અંતર્ગત જ આ મિશન કરવામાં આવી રહ્યું છે. આ સ્પેસક્રાફ્ટને જ્યારે સર્ટિફિકેટ આપવામાં આવ્યું, ત્યારથી સ્પેસએક્સ અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જાય છે અને ત્યાંથી તેમને લાવવાનું કામ કરી રહ્યું છે. ફ્લોરિડામાં આવેલા નાસાના કેનેડી સ્પેસ સેન્ટરમાંથી ફાલ્કન 9 રોકેટ દ્વારા આ સ્પેસક્રાફ્ટને લોન્ચ કોમ્પ્લેક્સ 39Aમાંથી લોન્ચ કરવામાં આવશે.