
ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂરની સફળતાપૂર્વક પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવ્યા બાદ ભારતે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ભારતે અગાઉ ચાર વર્ષમાં 52 જાસૂસી સેટેલાઈટ બનાવવાનો નિર્ણય લીધો હતો, જોકે હવે આ કાર્યક્રમને ઘટાડીને એક વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે. આ સેટેલાઈટની કામગીરી ‘મહત્વાકાંક્ષી અવકાશ-આધારિત દેખરેખ (SBS-3)’ પ્રોગ્રામ હેઠળ આગળ વધારવામાં આવી રહી છે, જેમાં ઈસરો અને ખાનગી ઉદ્યોગ કંપનીઓ સાથે મળીને આ લક્ષ્યાંકને એક વર્ષમાં પૂરો કરશે.
SBS-3 પ્રોગ્રામ હેઠળ બનાવાશે જાસૂસી સેટેલાઈટ
એસબીએસ-3 પ્રોગ્રામ એ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) અને ખાનગી ઉદ્યોગ વચ્ચેના સહયોગનું શાનદાર ઉદાહરણ છે. ઈસરો આ પ્રોગ્રામ હેઠળ 21 સેટેલાઈટ બનાવશે, જ્યારે બાકીના 31 સેટેલાઈટની જવાબદારી ત્રણ ખાનગી કંપનીઓ અનંત ટેકનોલોજીસ, સેંટમ ઈલેક્ટ્રોનિક્સ અને અલ્ફા ડિઝાઈનને સોંપવામાં આવી છે.
સેટેલાઈટની કામગીરી 12-18 મહિનામાં પૂર્ણ કરવા નિર્દેશ
સંરક્ષણ મંત્રાલયે આ ત્રણેય કંપનીઓને 12થી 18 મહિનામાં પ્રોગામ પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે, તેથી 31 જાસૂસી સેટેલાઈટ 2026ના અંત સુધીમાં અથવા તે પહેલા બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. અગાઉ આ લક્ષ્યાં 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો હતો. જોકે તાજેતરમાં જ પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતીય સેનાએ વળતો જવાબ આપી ઓપરેશન સિંદૂર પાર પાડ્યા બાદ આ નિર્ણય લેવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
સ્પેસ પાવર તરીકે ભારતની તાકાત વધશે
ભારતના 50 સ્પેસક્રાફ્ટ સતત પડોસી દેશો પર નજર રાખશે, જેથી પાકિસ્તાન અને ચીન જેવા દેશો કોઈપણ કાર્યવાહી કરતા પહેલા બે વાર વિચારશે. આ સેટેલાઈટના કારણે સ્પેસ પાવર તરીકે ભારતની તાકાત વધશે. આ ઉપગ્રહો AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે પણ કનેક્ટેડ હશે, જેથી કોઈ પણ ખોટા કામો સામે ભારતીય સૈન્ય તાત્કાલિક પગલાં લઇ શકે. આ સેટેલાઈટને એટલા માટે લોન્ચ કરવામાં આવશે કારણે કે આસપાસ થઇ રહેલા ફેરફારો પર નજર રાખીને દેશની તાકાતમાં વધારો કરી શકાય. જો ભારત આ સ્તરે ઉપગ્રહો લોન્ચ કરી શકે છે, તો દેશ સામેના જોખમોને વધુ સારી રીતે ઘટાડી શકાય છે. તેના દ્વારા જમીન સંબંધિત ગુપ્ત માહિતી એકત્રિત કરાશે. આ ઉપગ્રહોની મદદથી દુશ્મનની હિલચાલ પર નજર રાખી શકાશે. આ સેટેલાઈટને અવકાશમાં અલગ અલગ ઉંચાઈ પર તૈનાત કરવામાં આવશે. જેની મદદથી વિવિધ લેવલથી જિયો-ઈન્ટેલિજન્સ ડેટા એકત્ર કરી શકાય. આ સેટેલાઈટની મદદથી આપણા સૈનિકો દુશ્મન દેશની હિલચાલ પર નજર રાખી શકશે તેમજ સરહદો પર ઘૂસણખોરી રોકવામાં મદદ મળશે.