
એલન મસ્કની કંપની Xના AI ચેટબોટ Grok દ્વારા આપવામાં આવેલા જવાબોમાં અપશબ્દોનો ઉપયોગના કારણે તે હાલ ચર્ચામાં છે. ભારત સરકારે ગ્રોક એઆઈ દ્વારા આપવામાં આવેલા કેટલાક જવાબો અસહજ હોવાથી સરકાર X પાસે આ અંગે સ્પષ્ટતા માંગી રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 19 માર્ચ, 2025ના રોજ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલય ચેટબોટ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના કારણોની તપાસ કરશે.
Grok AI ભાષા મોડેલ (LLM) પર આધારિત ચેટબોટ છે. તે Open AI ના ChatGPT અને Google Geminiની જેમ કામ કરે છે, જેનો હેતુ યુઝરને તેમની પોતાની ભાષામાં જવાબ આપવાનો છે. ખાસ વાત એ છે કે તે સૌથી મુશ્કેલ પ્રશ્નોના જવાબ પણ આપે છે. આવા પ્રશ્નોના જવાબ આપવા માટે તેમાં ઇન્ટરેક્ટિવ ડાયલોગની સુવિધા છે. આ AI X સાથે જોડાયેલું છે.
યુઝરને મળી રહ્યા છે તાત્કાલિક જવાબો
Grok AI ના જવાબો છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે. યૂઝર્સ જે પણ સવાલ પૂછે છે, તેનો જવાબ ચેટબોટ આપે છે. જેમાં રાજકારણ અને વિપક્ષ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપવા ઉપરાંત તે યુઝર્સના કહેવા મુજબ રોસ્ટિંગ પણ કરી રહ્યું છે. આ જવાબો સરકાર અને વિપક્ષના નેતાઓ માટે અસહજ છે. એવું માનવામાં આવે છે કે જો ચેટબોટનું આ જ વલણરહેશે તો ભારતમાં આ AI નહીં ટકી શકે. હાલમાં દેશમાં ડેટા સિક્યોરિટી એક્ટ (DPDP એક્ટ 2023) અને IT એક્ટને કારણે આ AIને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
પ્રતિબંધિત પણ થઈ શકે છે
સ્પર્ધાની વાત કરીએ તો, ChatGPT અને Google Gemini પહેલાથી જ ભારતીય બજારોમાં છે. આવી સ્થિતિમાં Grok AI માટે રસ્તો મુશ્કેલ બની શકે છે. સરકાર રાજકારણ અને સેન્સરશીપની બાબતોમાં આવા AI ટૂલ પર નજર રાખી રહી છે. Grok AI ને ખોટી માહિતી શેર કરવા અને વિવાદાસ્પદ મુદ્દાઓ ઉઠાવવા બદલ પ્રતિબંધનો પણ સામનો કરવો પડી શકે છે.