
જો તમે કારના શૌખીન છો તો લેમ્બોર્ગિનીનું નામ જરૂર સાંભળ્યું હશે. આ કંપની વિશ્વમાં પોતાની લક્ઝરી અને હાઇ-પરફોર્મન્સ કાર માટે જાણીતી છે. કંપનીના મૉડલ્સની યૂનિક ડિઝાઇન તેને બાકી બ્રાંડ્સ કરતા અલગ બનાવે છે. આ કારણ છે કે લોકો તેની કારને વધારે પસંદ કરે છે. આ કંપનીની શરૂઆતની કહાની પણ રસપ્રદ છે.
આ કહાની તે ખેડૂત પુત્રની છે જેને પોતાના જુસ્સા અને આત્મસમ્માનના દમ પર વિશ્વની સૌથી શાનદાર સ્પોર્ટ્સ બ્રાંડ્સનો પાયો મુક્યો.એક સમય ફેરારીના માલિક તરફથી કરવામાં આવેલા અપમાન બાદ લેમ્બોર્ગિનીના ફાઉન્ડરે વિશ્વની સૌથી સારી સુપરકાર બનાવી દીધી. આવો લેમ્બોર્ગિનીની આ રસપ્રદ વાર્તા વિશે જાણીયે...
ટ્રેક્ટરથી કાર સુધીની સફર
1945માં યુદ્ધ સમાપ્ત થયા બાદ ફારૂશિયો લેમ્બોર્ગિનીએ જૂના સૈનિક વાહનોથી ટ્રેક્ટર બનાવવાનું કામ શરૂ કર્યું હતું. તે મૂળ ખેડૂતના પુત્ર હતા પરંતુ મશીનો પ્રત્યે ઊંડા રસને કારણે તે સેનામાં મિકેનિક બની ગયા અને ત્યાથી શીખ લઇને ટ્રેક્ટર ઉદ્યોગમાં ઉતરી આવ્યા હતા. કેટલાક વર્ષોમાં તેમની કંપની Lamborghini Trattori ઇટાલીમાં ટ્રેક્ટરનું મોટું નામ બની ગઇ પરંતુ કહાની અહીં જ સમાપ્ત થતી નથી.
Ferrariએ આપ્યો પડકાર
ફારૂશિયોને સ્પોર્ટ્સ કારોનો પણ શોખ હતો, તેમની પાસે જગુઆર, માસેરાતી, મર્સિડીઝ અને બે ફરારી કારો હતી. ફેરારીની ગાડીઓમાં વારંવાર ક્લચની ખામી તેમને પરેશાન કરતી હતી. જ્યારે તેમને પોતાના ટ્રેક્ટર મિકેનિક પાસે કાર ચેક કરાવી તો ચોકાવનારૂ સત્ય સામે આવ્યું કે ફેરારીની કારમાં તે ક્લચ ઉપયોગ થતો હતો જે ટ્રેક્ટરમાં થાય છે. ફરક માત્ર એટલો જ હતો કે ફેરારી તેને રીપેર કરવા માટે 1000 લીરા વસૂલતી હતી અને લેમ્બોર્ગિનીની ફેક્ટરીમાં તે કામ 10 લીરામાં થઇ જતું હતું. જ્યારે ફારૂશિયોએ આ વાત સીધી એન્જો ફેરારીને કહી તો તેમને ઘમંડ કરતા કહ્યું, "સમસ્યા કારમાં નથી, તમારા જેવા ટ્રેક્ટર બનાવનારા ડ્રાઇવરમાં છે."
અપમાનના જવાબમાં બની સુપરકાર
એન્જો ફેરારીની આ વાતને કારણે ફારૂશિયોના આત્મસમ્માનને ઠેસ પહોંચી અને તેમને નક્કી કર્યું કે હવે તે ખુદની સ્પોર્ટ્સ કાર બનાવશે. 1963માં ફારૂશિયોએ Sant'Agata Bolognese,Italyમાં એક ફેક્ટરી લગાવી. કેટલાક સારા એન્જિનિયરોને કામ પર રાખ્યા, જેમાંથી કેટલાક ફેરારીમાંથી નોકરીમાંથી કાઢી મુકાયેલા હતા અને પ્રથમ Lamborghini કાર 350 GT તૈયાર કરી, જે 240 કિમી/કલાકની સ્પીડ સુધી જઇ શકે છે, તેમને પોતાની રાશિ વૃષભને જ પોતાની કંપનીનું પ્રતિક પસંદ કર્યું જે આજે Raging Bullના નામથી જાણીતું છે.
Ferrari Vs Lamborghini
Lamborghini 350 GTના લૉન્ચ સાથે જ એક નવી રેસ શરૂ થઇ ગઇ. એક તરફ ફેરારી પોતાના રેસિંગ વારસા પર ગર્વ કરે છે બીજી તરફ લેમ્બોર્ગિની લક્ઝરી, તાકાત અને ડિઝાઇન માટે જાણીતી છે. આ બન્ને કંપનીની સ્પોર્ટ્સ કાર આજે પણ એક બીજાને ટક્કર આપે છે.