
શાઇન અને એક્ટિવા જેવા લોકપ્રિય ટુ-વ્હીલર વેચતી હોન્ડા ટુ-વ્હીલર કંપનીના વેચાણમાં ગયા મહિને ભારે ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ તાજેતરમાં એપ્રિલ 2025ના વેચાણના આંકડા જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીએ કુલ 4,80,896 યુનિટ વેચ્યા છે. આ આંકડો એપ્રિલ 2024માં વેચાયેલા 5,41,946 યુનિટ કરતાં 11 ટકા ઓછો છે. એપ્રિલ 2025ના આ આંકડામાં સ્થાનિક સ્તરે વેચાયેલા 4,22,931 યુનિટ અને નિકાસ કરાયેલા 57,965 યુનિટનો સમાવેશ થાય છે.
હોન્ડાની નિકાસમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો, કારણ કે કંપનીએ એપ્રિલ 2024માં નિકાસ બજારમાં 60,900 યુનિટ વેચ્યા હતા. સ્થાનિક બજારમાં 2024માં સમાન સમયગાળામાં 4,81,046 યુનિટ વેચાયા હતા, જે 12 ટકાનો ઘટાડો દર્શાવે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, હોન્ડા ટુ-વ્હીલર્સ તેની ICE ઓફરિંગ માટે નવા OBD-2B મોડેલો રજૂ કરવા પર કામ કરી રહી છે. તાજેતરમાં હોન્ડા ડિઓ 125 અને હોન્ડા શાઇન 100 ને OBD-૨બી ધોરણોનું પાલન કરવા માટે અપડેટ કરવામાં આવ્યા છે.
કંપની 3 વર્ષ ફ્રી સર્વિસ આપી રહી
હોન્ડા ટુ-વ્હીલર્સ ઇન્ડિયાએ નવા એક્ટિવા 110 અને એક્ટિવા 125 મોડેલની ખરીદી પર 3 વર્ષનું ફ્રી સર્વિસ પેકેજ અને ₹5,500 સુધીના વધારાના લાભોની જાહેરાત કરી છે. હોન્ડા એક્ટિવા 110 અને હોન્ડા એક્ટિવા 125 બંનેને 2025 મોડેલ વર્ષના અપડેટ સાથે અપડેટ કરવામાં આવ્યા હતા. અને હવે તેમાં OBD 2B-અનુસાર એન્જિન પણ છે. આ બંને સ્કૂટર ભારતીય બજારમાં સૌથી વધુ વેચાતા સ્કૂટરમાંથી એક છે અને આ ઑફર્સ ફક્ત 30 એપ્રિલ સુધી જ આપવામાં આવી રહી હતી.
હોન્ડા આ શાનદાર સ્કૂટર લોન્ચ કરી શકે છે
હોન્ડાએ ભારતમાં PCX160 મેક્સી-સ્કૂટર માટે ડિઝાઇન પેટન્ટ ફાઇલ કરી છે, જે બ્રાન્ડના પ્રીમિયમ 160cc સ્કૂટર સેગમેન્ટમાં પ્રવેશના સંકેત છે. જોકે લોન્ચ સમયરેખા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. આ પગલું સૂચવે છે કે હોન્ડા આખરે અહીં પ્રીમિયમ 160cc સ્કૂટર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. હાલમાં ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોમાં વેચાતી હોન્ડા PCX160 સીધી સ્પર્ધા યામાહા એરોક્સ 155 અને તાજેતરમાં લોન્ચ થયેલી હીરો ZM 160 સાથે કરે છે.