
કોર્ટમાંથી જામીનનો ઓર્ડર છતાં યુપીની ગાઝિયાબાદ જેલમાં બંધ વ્યક્તિને મુક્ત ન કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને આરોપી આફતાબને 5 લાખનું વચગાળાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટના જામીનના આદેશ પછી મુક્ત ન કરવાની તપાસ ગાઝિયાબાદ જિલ્લા ન્યાયાધીશને સોંપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે યુપી સરકાર પાસેથી પાલન અહેવાલ માંગ્યો
સુપ્રીમ કોર્ટે 27 જૂન સુધીમાં યુપી સરકાર પાસેથી આદેશના અનુપાલનનો રિપોર્ટ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટ આગામી 18 ઓગસ્ટે કેસની સુનાવણી કરશે. આ કેસની સુનાવણી દરમિયાન જેલ DG વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયા હતા. જણાવી દઈએ કે આફતાબ નામના વ્યક્તિ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ધર્માંતરણના આરોપ મામલે 2024માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 29 એપ્રિલે સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં તપાસ રિપોર્ટ જોયા પછી અમે નક્કી કરીશું કે વળતરની રકમ કોઈપણ જવાબદાર અધિકારી પાસેથી વસૂલવી કે નહીં. યુપી સરકાર પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તમે ગઈકાલે જ તેને મુક્ત કર્યો છે. આ જ બતાવે છે કે તમે અમારા આદેશનો અનાદર કર્યો છે. તમે તેને માત્ર ટેકનિકલ કારણોસર જેલમાં રાખ્યો.
સુપ્રીમ કોર્ટે દોષિત અધિકારી સામે કાર્યવાહીનો સંકેત આપ્યો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને તપાસ રિપોર્ટ જોવા દો, જો કોઈ દોષિત ઠરે છે તો અમે વ્યક્તિગત જવાબદારી નક્કી કરીશું. જો કોઈ અધિકારી આમાં સંડોવાયેલ હશે તો તેણે તેની કિંમત ચૂકવવી પડશે. સુપ્રીમ કોર્ટે ડીજી જેલને કહ્યું કે, તેઓ વીડિયો કોન્ફરન્સિંગ થકી અધિકારીઓને જણાવે કે કોર્ટના આદેશનું પાલન કેવી રીતે થવું જોઈએ. જો કોર્ટના આદેશ છતાં લોકોને જેલમાં રાખવામાં આવે તો અમે શું સંદેશ આપી રહ્યા છીએ?