
Surat news : રાજ્યમાં વરસાદી મોસમ વચ્ચે જર્જરિત મકાનો પડવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે, ત્યારે સુરત શહેરના સચિન GIDC ખાતે આવેલ પુષ્પક નગરમાં એક બિલ્ડીંગની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં નીચે ઉભેલા ચાર લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવ બાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બિલ્ડિંગને સંપૂર્ણ ખાલી કરાવવામાં આવી છે.
સુરત શહેરના સચિન GIDC ખાતે આવેલ પુષ્પક નગરમાં એક બિલ્ડીંગની ગેલેરીનો ભાગ ધડાકાભેર ધરાશાયી થતાં આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી હતી. ગેલેરીનો જર્જરિત ભાગ નીચે ઉભેલા ચાર લોકો પર પડતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના બાદ લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જર્જરિત બિલ્ડિંગને ખાલી કરાવી હતી. ચોમાસાની ઋતુ દરમ્યાન જર્જરિત અને કાચા મકાનો પડવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે.