
ભારતીય રિઝર્વ બેંકએ શુક્રવારે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો જાહેર કર્યો. આ સાથે, રેપો રેટ ઘટીને 5.5 ટકા થઈ ગયો. 2025માં આ ત્રીજી વખત છે, જ્યારે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં એક જ સમયે કરવામાં આવેલ આ સૌથી મોટો દર ઘટાડો છે. વ્યાજ દરોમાં ઘટાડા બાદ હોમ લોન, ઓટો લોન જેવી રિટેલ લોન સસ્તી થવાની અને લોનના હપ્તામાં ઘટાડો થવાની આશા છે.
બ્રોકરેજ ફર્મ એક્સિસ સિક્યોરિટીઝે કહ્યું છે કે રેપો રેટમાં ઘટાડો બેંકો માટે એક સકારાત્મક વિકાસ છે. આનાથી નાણાકીય વર્ષ 2025-26ના બીજા ભાગમાં બેંકોના માર્જિનને ટેકો મળશે તેવી માન્યતા પણ મજબૂત થશે.
શું રેપો રેટમાં વધુ ઘટાડો થશે?
એક્સિસ સિક્યોરિટાઇઝે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેંકે તેના નાણાકીય નીતિ વલણને 'સહનશીલ'થી 'તટસ્થ'માં બદલી નાખ્યું છે. આનાથી ભવિષ્યમાં દર ઘટાડાનો અવકાશ મર્યાદિત થઈ ગયો છે. હવે નીતિગત નિર્ણયો ડેટા પર આધારિત હશે. જોકે, ફુગાવાનો ટ્રેન્ડ નરમ રહે છે અને નિર્ધારિત સહનશક્તિની મર્યાદામાં અથવા તેનાથી નીચે રહેવાની અપેક્ષા છે.
ઉપરાંત, માંગમાં સંભવિત સુધારો એક સકારાત્મક સંકેત ગણી શકાય. આરબીઆઇ એ નાણાકીય વર્ષ 26 માટે ફુગાવાનો અંદાજ 4% થી ઘટાડીને 3.7% કર્યો છે, જ્યારે જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.5% પર જાળવી રાખવામાં આવ્યો છે.
રેપો રેટમાં ઘટાડાની બેંકિંગ ક્ષેત્ર પર શું અસર પડશે?
એક્સિસ સિક્યોરિટીઝના મતે બેંકિંગ ક્ષેત્રના દૃષ્ટિકોણથી નાણાકીય વર્ષ 2024-25 ના અંતમાં નબળી પડી ગયેલી ક્રેડિટ વૃદ્ધિ ફરીથી તેજીમાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ભાગમાં આ રિકવરી અપેક્ષિત છે. વ્યાજ દરમાં ઘટાડો, સારા ચોમાસાની શક્યતા, કર ઘટાડાને કારણે ગ્રાહક માંગમાં વધારો અને અસુરક્ષિત લોન સેગમેન્ટમાં તનાવમાં ઘટાડો જેવા પરિબળો આમાં મદદરૂપ થઈ શકે છે.
બ્રોકરેજ કંપનીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 25-26 ના બીજા ક્વાર્ટરમાં સુધારેલ પ્રણાલીગત તરલતા, CRR ઘટાડા અને મોટાભાગની બેંકો દ્વારા થાપણ દરમાં ઘટાડો માર્જિન પર હકારાત્મક અસર કરે તેવી અપેક્ષા છે. જોકે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં તાજેતરમાં ૫૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો બેંકોના યીલ્ડ પર અસર કરશે. આનાથી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (એનઆઇએમ) પર દબાણ આવી શકે છે.
એસેટ ક્વોલિટીને લઇને ચિંતા હવે ધીમે ધીમે ઓછી થતી દેખાઇ રહી છે. અસુરક્ષિત લોન સેગમેન્ટમાં તણાવ હવે સ્થિરતા તરફ આગળ વધી રહ્યો છે. જ્યારે સુરક્ષિત લોન પોર્ટફોલિયો મજબૂત રહે છે. આરબીઆઈ ગવર્નરે એ પણ સ્પષ્ટ કર્યું છે કે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ સેગમેન્ટમાં પહેલા જે તણાવ હતો, તે હવે ઓછો થઈ ગયો છે.
જોકે, માઇક્રોફાઇનાન્સ (એમએફઆઇ) સેગમેન્ટમાં પડકાર હજુ પણ યથાવત છે. અગાઉ જણાવાયું હતું કે નાણાકીય વર્ષ 2026ના બીજા ભાગમાં માઇક્રોફાઇનાન્સ સેગમેન્ટમાં સ્થિરતા જોવા મળી શકે છે.
રેપો રેટમાં ઘટાડા પછી સ્ટોક પિક્સ
બ્રોકરેજ કંપનીએ જણાવ્યું હતું કે અમે એવી બેંકોને પ્રાધાન્ય આપવા માંગીએ છીએ જેમની પાસે મજબૂત વૃદ્ધિની સંભાવનાઓ, સ્થિર ડિપોઝિટ બેઝ, સારી સંપત્તિ ગુણવત્તા અને અનુભવી અને વિશ્વસનીય મેનેજમેન્ટ ટીમો હોય.
ખાનગી બેંકો: બ્રોકરેજમાં ખાનગી બેંકોમાં એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, સિટી યુનિયન બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંકનો સમાવેશ થાય છે.
પીએસયુ બેંકો: સરકારી બેંકોમાં, બ્રોકરેજોએ એસબીઆઇ, બેંક ઓફ બરોડા અને કેનેરા બેંકમાં રોકાણ કરવાની ભલામણ કરી છે.
એનબીએફસી: નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) માં, શ્રીરામ ફાઇનાન્સ, ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ અને એસબીઆઇ કાર્ડ્સની પસંદગી કરવામાં આવી છે.