
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈંગ્લેન્ડ-વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ સાઉદી અરેબિયા ટી20 લીગનો વિરોધ કર્યો છે. બંને દેશોએ સાઉદી ટી20 લીગ ન થવા દેવા માટે હાથ મિલાવ્યા છે. રિપોર્ટ મુજબ સાઉદી અરેબિયા ક્રિકેટ ફાઉન્ડેશન ઈન્ડિયન પ્રીમિયર લીગની જેમ સાઉદી T20 લીગ શરૂ કરવા માગે છે, જેમાં તે 400 મિલિયન ડૉલર (લગભગ 3442 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે.
ભારત-ઈંગ્લેન્ડે સાઉદી ટી20 લીગનો વિરોધ કર્યો
સાઉદી ટી20 લીગનો વિરોધ કરી રહેલા બીસીસીઆઈ અને ઈસીબી પોતાના ખેલાડીઓને નવી ટુર્નામેન્ટમાં રમવા માટે મંજૂરી આપશે નહીં. બંને દેશો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ને પણ સાઉદીની લીગ અટકાવવા માટે ભલામણ કરશે. બીસીસીઆઈ અને ઈસીબીએ વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલના કારણે લીગ અટકાવવા માટે આઈસીસીને કહ્યું છે. બંને દેશોનું કહેવું છે કે, લીગના કારણે તેમના શેડ્યૂલ પર અસર પડશે.
BCCI અને ECB પોતાના ખેલાડીઓને રમવાની મંજૂરી નહીં આપે
મીડિયા રિપોર્ટ મુજબ, બીસીસીઆઈ અને ઈસીપીએ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઈનલ વખતે જ એક થઈને સાઉદી ટી20 લીગનો વિરોધ શરૂ કર્યો છે. બંને દેશોએ નિર્ણય લીધો છે કે, તેઓ પોતાના ખેલાડીઓને નવી ટુર્નામેન્ટમાં સામેલ કરવા માટે એનઓસી નહીં આપે, જેના કારણે સાઉદીનો કાર્યક્રમ નબળો પડી જશે.
સાઉદીને ઓસ્ટ્રેલિયાનું સમર્થન
બીજીતરફ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે સાઉદી ટી20 લીગમાં સાઉદી અરેબિયાને સમર્થન આપ્યું છે. તેઓએ નવી ટુર્નામેન્ટમાં ભાગીદારી કરવાનો પણ રસ દાખવ્યો છે. પીટીઆઈના રિપોર્ટ મુજબ, સાઉદી અરેબિયાના એસઆરજે સ્પોર્ટ્સ ઈન્વેસ્ટમેન્ટે નવી ટુર્નામેન્ટ માટે 400 મિલિયન ડૉલરનુંરરોકાણ કરવાનું ઓસ્ટ્રેલિયાને વચન આપ્યું છે. યોજના મુજબ નવી ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો હશે અને દર વર્ષે જુદા જુદા સ્થળે ચાર ટુર્નામેન્ટ રમાડવામાં આવશે.
સાઉદીએ ICC સાથે કરી હતી ચર્ચા
ઓસ્ટ્રેલિયાના એક અખબાર મુજબ, ટેનિસથી પ્રેરિત આઠ ટીમોની લીગ આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ ટી20 લીગનું આયોજન કરવા માગે છે. સાઉદી અરેબિયાના SRJ સ્પોર્ટ્સ ઇન્વેસ્ટમેન્ટ્સે એક લાખ કરોડ ડોલરના મૂડી રોકાણ સાથે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથે અગાઉથી ચર્ચા શરૂ કરી દીધી છે.
ઓસ્ટ્રેલિયન ખેલાડીએ તૈયાર કર્યો પ્લાન
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર અને ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સનો મેનેજર અન્યૂ નીલ મેક્સવેલે ગતવર્ષે આ કોન્સેપ્ટ પર પ્લાન તૈયાર કર્યો હતો. તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિએશન અને ક્રિકેટ ન્યૂ સાઉથ વેલ્સના પૂર્વ સભ્ય પણ છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ઘણા રોકાણકારો લીગને સમર્થન આપવા તૈયાર છે, જેમાં સાઉદી અરેબિયા સૌથી મોટું છે, જે તેના માટે 50 કરોડ ડોલરનો ખર્ચ કરવા તૈયાર છે.